પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮

જાગૃત ર્‌હેવા લાગ્યા. એક દિવસ એ બે જણ મનહરપુરીના ત્રિભેટા પાસેના વડનીચે હતા એટલામાં પાસે જ મુળુ હોવાના સમાચાર મળ્યા. મુળુની પાસેનાં માણસોમાંનો મ્હોટો ભાગ સામંતનો સાધેલો હતો. સામન્ત, મણિરાજ, અને તેમનાં માણસોએ મુળુ અને તેનાં માણસો ભણી ઘોડા દોડાવ્યા. મણિરાજ આ મંડળમાં છે જાણી મુળુ સામે આવ્યો. પણ ઘોડાની દોડાદોડને નિમિત્તે એની જોડેનાં સામંતનાં સાધેલાં માણસ એને પડતો મુકી બીજી દિશામાં ચાલ્યાં અને એની સાથેનાં બાકીનાં માણસ, એક પાસ એ ફુટેલાં માણસને જતાં જોઈ અને બીજી પાસ મુળુને દોડતો જોઈ દ્વૈધીભાવ પામ્યાં અને તેમના ઘોડા આ દ્વૈધીભાવમાં નરમ પડતાં તેમની અને મુળુની વચ્ચે છેટું પડી ગયું. એ ટોળામાં મુળુ હશે એવું ધારી વૃદ્ધ આંખોનો છેતર્યો સામંત છેતરાયો અને પોતાના સર્વ માણસો લઈ એ ટોળાની સામે દોડ્યો. મુળુથી અને ફુટેલાં માણસોથી છુટું પડેલું ટોળું સામંતને ધસારો જેઈ હીંમત હાર્યું અને ન્હાસવા લાગ્યું. તેમની પાસે આવવા છતાં તેમની પુઠ હોવાથી તેમાં મુળુ છે નહી એ સામંત કહી શક્યો નહી અને એમની પુઠ મુકી નહી.

પોતાનાં સર્વ માણસોથી આગળ વધેલો મુળુ છુટો પડ્યો અને તેને દૂરથી મણિરાજની તીક્ષ્ણ યુવાન આંખે શોધી ક્‌હાડ્યો અને પોતાનો ઘોડો તેની પાછળ દોડાવ્યો. પોતાનાં માણસોથી પોતાને છુટો પડેલો સમજી અને મણિરાજની પાછળ બીજા માણસ હશે એમ ધારી મુળુએ જંગલના એક વિકટ રસ્તાપર પોતાનો ઘોડો દોડાવ્યો અને મણિરાજે પણ એકલાં પડી તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. બે ચાર ગાઉ સુધી આ પ્રમાણે દોડતાં મુળુ એક નાળા આગળ આવ્યો અને એનો ઘોડો તે નાળા ઉપર કુદી બીજી પાસ ગયો અને મણિરાજનો ઘોડો પણ બીજે ઠેકાણેથી નાળું કુદી પડ્યો અને મુળુની પાછળ દોડવા લાગ્યો. નાળાની બીજી પાસ સુન્દરગિરિનો એક ભાગ હતો અને તેના કાંઠા ઉપર એક ઉંચો ખડક હતો તે ઉપર આવી મુળુ પોતાનો ઘોડો ફેરવી પાછું જોતો ઉભો અને દૃષ્ટિ આગળ કોઈને ન જોતાં કાન માંડવા લાગ્યો તો માત્ર એક ઘોડાનાં પગલાં સંભળાયાં. આ પગલાં કેણી પાસથી આવે છે એની એને સમજણ પડતાં પ્હેલાં મણિરાજનો ઘોડો ફાળ ભરી મુળુવાળા ખડકની પાછળના બીજા ખડક ઉપર આવી ઉભો અને તેની સાથે જ મણિરાજે બન્દુક ફોડી.