પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯

તેની ગોળી મુળુના જીન પાછળ ઘોડાના માંસલ ભાગમાં એવા તો જોરથી વાગી અને અંદર ડુબી કે ઘોડાની છાતી સુધી ગઈ. આ ગોળીના પ્રહારની સાથે ઘવાયલો ઘોડો સ્વારસુદ્ધાંત ખડકની પેલી પાસ ગરબડી પડ્યો, અને નાળાના પાણીમાં ઝબકોળાયો. ઘોડો પછડાયો તેની સાથે સ્વાર ઉછળી ઉથલી નાળાની બીજી પાસની ભેખડોમાં પડ્યો. અને પેંગડાં એના પગમાં રહ્યાં અને પેંગડાના બંધ ત્રુટી ગયા. એની કેડેથી અને હાથમાંથી હથીયારો છુટાં થઈ કેટલાંક નાળાનાં પાણીમાં પડી અદૃશ્ય થયાં અને કેટલાંક ઘોડાનાં મડદા તળે ચંપાયાં, અને એની પાસે દેખીતું હથીયાર એક પણ ન રહ્યું.

મણિરાજ પોતાના ખડક ઉપરથી મુળુની આ દશા જોતો વિચાર કરતો ઘોડા ઉપર બેસી રહ્યો. મુળુ જ્યાં પડ્યો હતો ત્યાંથી થોડીવારે કળ વળતાં ઉઠ્યો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી પોતાની, ઘોડાની, પોતાનાં શસ્ત્રોની, અને ચારે પાસના સ્થળની અવસ્થા તપાસવા લાગ્યો; એમ કરતાં કરતાં એણે ઉચું જોયું અને આઘેના ખડક ઉપર મણિરાજને ઘોડેસ્વાર થઈ પોતાને જોતો દીઠો.

મુળુ શસ્ત્ર વિનાનો મણિરાજના ભણી ચાલવા લાગ્યો અને સ્વર સંભળાય એટલું છેટું ર્‌હેતાં બુમ મારી: “મણિરાજ, તમારી પાસે સર્વ શસ્ત્ર સજ્‌જ છે, અને મ્હારાં શસ્ત્ર વેરાઈ ગયાં છે; શસ્ત્રવાળા સાથે હું શસ્ત્ર વિના લ્હડવા તૈયાર છું, પણ ધર્મયુદ્ધ કરવા ઈચ્છતા હો તો શસ્ત્રો દૂર નાંખી ઘોડેથી ઉતરી પાળા થઈ સામા આવો.”

મણિરાજે ઉત્તર દીધોઃ “મૂળરાજ, ન્હસાય નહી એવે સ્થાને તમે છો અને તમારે જીવવું કે મરવું એ મ્હારા શસ્ત્રની સત્તાની વાત છે ત્યાં સુધી અશસ્ત્ર રહી પરાક્રમીની પેઠે લ્હડવાની ઈચ્છા બતાવો છો તે નકામી છે, કારણ લ્હડવું કે ન લ્હડવું એ તમારી ઈચ્છાની વાત નથી. હું ઘોડેથી ઉતરી શસ્ત્ર વિના તમારી સાથે લ્હડવા તયાર છું પણ તમારા શબ્દ ઉપર એવો વિશ્વાસ નથી કે ઘોડાને ન્હસાડી મુકું અને શસ્ત્ર નાંખી દેઉં. જો તમે ઉપર આવી કુસ્તી કરશો તો મ્હારા ઘોડા ઉપરથી ઉતરીશ, શસ્ત્રો વાપરીશ નહી અને તમારી સાથે મલ્લયુદ્ધ કરીશ, જો તમે ઉપર નહી આવો તો મહારાજની આજ્ઞા છે કે તમને મારવા કે પકડવા અને ઘોડો લઈ નીચે આવી તેમ આજ્ઞા પાળવા પ્રયત્ન કરીશ. સારું તે તમારું.”

મુળુ ખડક ઉપર ચ્હડયો, મણિરાજ ઘોડા ઉપરથી ઉતર્યો, અને