પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦

ખડકની મ્હોટી સપાટી ઉપર એનું મલ્લયુદ્ધ અર્ધી ઘડી ચાલ્યું તે એવી રીતે કે ન કોઈ જીતે ને ન કોઈ હારે. અંતે મુળુ પૃથ્વીપર ચતોપાટ પડ્યો અને એની છાતી પર મણિરાજ ચ્હડી બેઠો અને પુછવા લાગ્યોઃ “મૂળરાજ, ગમે તો મ્હારા કેદી બની મ્હારી સાથે આવવા શબ્દના બન્ધનથી બંધાવ ને તે ન ગમે તો તમને બીજો બંધ બાંધવા યત્ન કરતાં શસ્ત્ર વાપરી તમારો પ્રાણ લેવા કાળ આવે તો આપણું અશસ્ત્ર મલ્લયુદ્ધ પુરું થયું છે.”

આ વાક્ય પુરું થયું એટલામાં કપટશીલ મુળુએ એક હાથ છુટો કરી વસ્ત્ર નીચે સંતાડી રાખેલી કટાર મ્યાનમાંથી ખેંચવા માંડી. મણિરાજની સજ્‌જ આંખ ચેતી ગઈ અને પોતાના વાક્યનાં ઉત્તરની વાટ જોયા વિના, પોતાની તરવાર નાગી કરી. અતુલ બલ કરી છુટા કરેલા હાથ વડે મુળુ મણિરાજના એક પાસામાં કટાર ખોસી દેવાનો પ્રયત્ન કરે છે અને કટાર અને મણિરાજની કેડ વચે એક તસુનું અંતર ર્‌હે છે એટલામાં મણિરાજની તરવારે મુળુને છુટો હાથ તેના શરીરથી જુદો કરી દીધો, તે હાથ અને કટાર ઉછળી ખડકની એક બાજુએ ગડગડી પડ્યાં અને કપાયલાં હાથનાં મૂળમાંથી રુધિરની નદીઓના પ્રવાહ વેગથી નીકળવા લાગ્યા. આ મ્હોટા ઘાના દુઃખને ન ગણકારતાં મુળુએ પોતાનું આખું શરીર અર્ધો હાથ ઉચું ઉછાળ્યું, તે ઉછાળાથી ઉછળતા મણિરાજને પોતાના બે પગ ઉંચા અફાળી આકાશમાં ઉરાડ્યો, અને મણિરાજની તરવાર આઘી પડે એટલે તે અખંડ રહેલે હાથે ઝડપી લેવા કલ્પના કરી. આ કલ્પના પુરી થઈ જાય તે પ્હેલાં મલ્લયુદ્ધનો પ્રવીણ પણ આકાશમાં ઉછળેલો મણિરાજ એવી ચતુરતાથી પૃથ્વી પર પાછો પડ્યો કે એના બે હાથ પૃથ્વી પર મુકાયા, તે હાથ ઉપર એનું શરીર તોળાઈ ઝીલાયું અને તેના અધર લટકેલા બે પગે પૃથ્વી પાસે આવતાં મુળુના શરીરને એવા તો બળથી લત્તાપ્રહાર કર્યો કે મુળુનું શરીર ગડબડતું ગડબડતું ખડકની કોર ઉપર જઈ જોરથી નદીમાં પડ્યું, એ શરીરની પાછળ લોહીની પ્હોળી રેખાએ ખડકને રંગ્યો, મુળુ નદીમાં બેભાન થઈ પડ્યો, અને એના શરીરની આસપાસ પાણી છાછર હતું ત્યાં ચારેપાસ લોહી ફરી વળ્યું અને લોહીના ખાબોચીયા જેવું લાગવા માંડ્યું.

આણી પાસ આ બનાવ બન્યો એટલામાં સામંત મુળુની સાથનાં માણસોની પાછળ પડ્યો હતો તેણે પોતાની ભુલ કેટલીક વારે શોધી ક્‌હાડી અને મુળુ મણિરાજની શોધ કરવા એ માણસોને પડતાં મુકી બીજી દિશા લીધી.

સામંતની આ ટોળીમાં કેટલાંક માણસ એક દિશામાં ગયાં,