પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩

“રંક અને સુંદર હરિણોનું ટોળું વાઘના વિચારવિના જંગલમાં ખેલે છે તેવી રીતે આ સ્ત્રીઓ અંહી રમે છે - તેમના આનંદમાં વિઘ્ન પાડવું એ દોષ છે:” આમ વિચારતો વિચારતો મણિરાજ ઝાડોમાં ચાલ્યો અને નદીમાં સઉથી આગળ ધપેલા કાંઠાના ખુણા ઉપર એક ઝાડ હતું તેની ઓથે પોતે ભરાયો અને સ્ત્રીઓનાં મુખ દેખાય એમ જોનાર પુરુષ રાજ્યનો અધિકારી નથી – ઈત્યાદિ વિચાર થતાં સ્થાન બદલ્યું અને સ્ત્રીઓની પુઠ દેખાય એમ ઉભો, અને મનમાં લવ્યો:

“ मम हि सदसि गौरवप्रियस्य ।
“ कुलजनदर्शनकातरं हि चक्षुः ॥”

એટલામાં સ્ત્રીઓનો સ્વર કાને આવ્યો.

કમલાના બે હાથ બે પાસની સાહેલીઓને ખભે હતા અને એના પગ વારાફરતી ઉંચા થઈ નદીનું પાણી ઉછાળતા હતા અને તે ઉછળતાં પાણી અને પગ ઉપર એની દૃષ્ટિ હતી.

“૨ત્ની, આ મ્‍હારા પગ અત્યારે તને કેવા લાગે છે?”

“તમારા પગ કમળના દાંડા જેવા, પગનાં તળીયાં કમળના ફુલના ગોટા જેવાં, અને આંગળીઓ પાંદડાં જેવી.”

“ને, વારુ, આ પાણી ?” – પાણી ઉછળવાની ક્રિયા એવી ને એવી ચાલતી રાખી, તે ઉપર દૃષ્ટિ પણ એમની એમ રાખી, કમળા બોલી.

“પવનથી કે પાણીના જોરથી કમળ ઉચુંનીચું થાય અને પાંદડા ઉપરનું ઝાકળ ને પાણી ઉછળે તેવું આ પાણી.”

બીજી એક સહી બોલી: “કમળાબા, આ પાણી ઉછાળતાં ઉછાળતાં ગાવ જોઈએ. ”

એમની એમ દૃષ્ટિ રાખી કમળા બોલીઃ “શું ગાઉ ?”

બીજી સહી બોલીઃ “પેલું ગુલાબ ને કેવડાનું તમારું જોડેલું.”

થોડીક વારે કમળાએ એમની એમ દૃષ્ટિ રાખી ગાવા માંડ્યુંઃ

“મને પીયુ ન ગમે જુઈ જાઈ સમો,
“મને પીયુ ગમતો ગુલાબ સમો ! -મને ૦
“મને કમળ સુવાળું ના જ ગમે,
“મને કેતકકંટકધાર ગમે !-મને૦