પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

કવચિત્ તે વચ્ચેથી પાછાં આવવું હોય તો પાછાં વળતાં પણ કઠણ પડે એવી સંકડાશ હતી. એમ છતાં યોગીરાજના દર્શન કરવા અનેક જાત્રાળુઓ જવા ડરતા નહી. સ્થલે સ્થલે ફરી આ સર્વ વર્ણન રાધેદાસે કરી બતાવ્યું.

આ શીવાય બીજાં પણ અનેક શિખર હતાં. એક શિખર ઉપર બે ચાર વેદાંતજ્ઞાનમાં પારંગત થયેલા શાંત દાંત સંન્યાસીયો ઝુંપડીઓમાં ર્‌હેતા હતા. એક શિખર ઉપર કેટલાક મઠ અને ઝુંપડાં યાત્રાળુઓયે બાંધેલાં હતાં. ત્યાં એક સ્થાને ન ઠરનાર અનેક સંન્યાસીયોનાં ટોળેટોળાં આવતાં જતાં વિશ્રામ કરતાં એક શિખર ઉપર બેચારેક શિવાલય હતાં અને તેમાનાં બે શિવાલયની પૂજા પુજારી બ્રાહ્મણો કરતા અને બેની સાધુઓ કરતા. એક આઘેના શિખર ઉપર ચંડિકાનું દેવાલય હતું તે બેચારેક વડાદરા બ્રાહ્મણોને સ્વાધીન હતું, યાત્રાળુઓ પગે ચાલી સર્વ દેવદેવીઓને નમસ્કાર કરતા, સર્વ ઠેકાણે યથાશક્તિ પુણ્યદાન કરતા પણ પોતાના કુલદેવતા કે ઈષ્ટદેવતાને અધિક દાન કરતા. સંન્યાસી, જોગી, બ્રાહ્મણ, અને જતિઃ સર્વ જયાં ર્‌હે ત્યાં તેનો નિર્વાહ થતો. જે સઉથી આઘે, સઉથી એકાંતમાં, સઉથી ગુપ્ત ર્‌હે તેનું મહત્વ વધારે લેખાતું અને ત્યાં જનાર થોડા હોય એ સ્વાભાવિક હતું પણ જે થોડા જતા તે વધારે પુણ્ય કરતા. આ સર્વ પંથના સ્થાનિક પંથીઓ પર્વત ઉપરથી નીચે ઉતરતા પ્હેલાં અને ઉતર્યા પછી એકઠા થતા ત્યારે પોતાના દેવની સ્તુતિ અને પારકા દેવની નિંદા ચાલતી, એકબીજાનો તિરસ્કાર થતો, વિરોધ અને વિતંડાવાદ મચી ર્‌હેતો અને પ્રસંગે મારામારી થવાનો પ્રસંગ આવતો પણ લાંબો પ્હોંચતો નહીં. હોંકારા હોંકાર કરવામાં સર્વ શક્તિ વપરાઈ જાય એટલે વધારે વિરોધની શક્તિવૃત્તિ સ્વતઃ શાંત થઈ જતી. આ સર્વ વાતોની કથા કરતાં અંતે રાધેદાસ બોલ્યોઃ “નવીનચંદ્રજી, જેમ સાગરમાં સર્વ પ્રાણીયો રહે છે તેમ જ સુન્દરગિરિ ઉપર પણ છે; ફેર એટલો કે સાગરનાં પ્રાણીયો પરસ્પરનો શીકાર કરે છે ત્યારે આ ગિરિ ઉપર મહારાજ મણિરાજની આણ એવી વર્તે છે કે ફોજદારના સીપાઈને અંહી ફરકવું સરખું પણ પડતું નથી, સર્વના મનમાં એમ જ ર્‌હે છે કે મહારાજ મણિરાજને કાન આપણે હુડુયુદ્ધ*[૧] કર્યાની વાત જશે તો એમની પાસે આપણા ધર્મની પ્રતિષ્ઠા ઘટશે અને મહારાજને ખેદ થશે તે જુદો. અમારા મહારાજ જેવો સર્વધર્મપ્રતિપાળ ધર્માત્મા કોઈ થયો નથી અને થનાર નથી. એનું મન દુભાય તે આ ગિરિ ઉપર બાળક તો શું પણ કોઈ દુષ્ટ પણ ઈચ્છતો નથી. મહારાજ


  1. ૧. ઘેટાંની લ્હડાઇ.