પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫

તમારા પગ ઉંચા નીચા થતા હતા તેના ચળકાટથી અને તમારા ગાનથી આકર્ષાઈ આ મગર તમારા પગ ભણી આવતો હતો તે ઉપર મ્‍હારી દૃષ્ટિ પડી એટલે તે તમને પકડે તે પ્હેલાં તમારું રક્ષણ કરવાને તમને મ્‍હેં ઉચકી લીધાં છે તે ક્ષમા કરજો.”

કમળા પાસે ઉભી ઉભી નીચું જોઈ રહી અને જે હાથે પોતાને બચાવી હતી તે હાથના આકાર સામું જોવા લાગી, તેના ગૌર ગાલ ઉપર શેરડા પડી રહ્યા, અને તે બોલી શકી નહી.

તેની સહી રત્ની બોલીઃ “અમે આપનો ઉપકાર માનીએ છીએ; આપનું નામ, ઠામ, જાત અને કુળ જાણી અમને ઉગારનારને ઓળખી લેવા ઈચ્છીએ છીએ.”

“મ્‍હારું નામ મણિરાજ – આ રાજ્યના મહારાજા શ્રી મલ્લરાજનો હું પુત્ર છું, પરસ્ત્રીઓનાં નામ પુછવાં તે મ્‍હારો ધર્મ નથી પણ આ ભયંકર અરણ્યમાંથી બ્હાર જવા ઈચ્છા હોય તો તમને રસ્તો દેખાડવા અને રક્ષણ કરવા ભોમીયો થવા હું તૈયાર છું.”

“કુમાર, અમારે ભોમીયાની જરુર નથી, કારણ અમારાં કમળાબ્‍હેન ઘોડે ચ્‍હડે છે ને શસ્ત્ર સજે છે અને એમના પિતા મહારાણા શ્રી ખાચર થોડેક છેટે આપના રાજ્યના અતિથિ થઈ રાત્રે વાસો કરી રહ્યા છે તેમની પાસે જવાનો ટુંકો માર્ગ આપના કરતાં અમને વધારે માલમ છે માટે આપ મહારાણાને મળવા પધારો અને અમે આપનાં ભોમીયાં થઈશું.”

“કમળાકુમારીએ આ જંગલમાં શસ્ત્રનો કંઈક ઉપયોગ કર્યો છે ?” મણિરાજે કૌતુકથી પુછયું.

“એક ઘેટાને બચાવવા તેને લેઈ જનાર ગરુડ પક્ષી ઉપર બન્ધુક તાકી હતી. ”

“ત્યારે એમણે અમારા પિતાના શાસનનો ભંગ કર્યો, માટે એમને તરત કેદ કરવાં પડશે.” અાંખો ચોળતો ચોળતો મણિરાજ બોલ્યો. સર્વ સ્ત્રીઓ કંઈક ચમકી સાંભળી રહી. એટલામાં લજ્જા છોડી કમળા બોલીઃ “તે આપના રાજ્યમાં એવો કાયદો છે કે અમને બબ્બે વખત કેદ કરો ?”

“ના, એક જ વખત. ”

“તે એક વખત તો કેદ કરેલી અહુણાં મને છોડી. ”

“હા. એ વાત તો ખરી. ત્યારે હવે કેદ નહી કરીએ – પણ