પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭

થોડીક જ વાર ઉપર પોતાને ન જાણતી ન દેખતી કમળાએ વિશ્રમ્ભકથા સાથે કરેલા ગાનમાં પોતાને માટે દેખાડેલો અનુરાગ સ્મરણમાં આવતાં અવિશ્વાસ ખસી ગયો. પોતાના શૌર્યના ભાને વિશ્વાસ અને અવિશ્વાસનો વિવેક નકામો લગાડ્યો. બન્ધુક ઉપર એક હાથ મુકી તેના ઉપર પોતાનું પ્રચણ્ડ શરીર અઠીંગેલું રાખી કમળા ઉપર પળવાર દૃષ્ટિ નાંખતો અને પળવાર ખેંચી લેતો મણિરાજ કમળાની સામે ઉભો અને પુછવા લાગ્યોઃ

“આ તમારી સહીઓ ક્યાં ગઈ? ”

“મને કેદ કરી લેવાનો આપને અવકાશ આપવા જતી રહી.”

“મ્હેં તો કેદ કરવાનું હાસ્ય જ કર્યું હતું. બાકી હું પરસ્ત્રી સાથે એકાંતમાં ર્‌હેતો નથી. તમારે મ્હારું કામ ન હોય તો મને રજા આપો.”

કમળા પાસેના ઝાડને અઠીંગી તે ઉપર માથું નાંખી દેઈ ડુસકાં ભરવા લાગી અને બોલીઃ “રાજકુમાર, હું પરસ્ત્રી નથી. હું અત્યાર સુધી કોઈની સ્ત્રી થઈ નથી અને સૂર્યવંશી મણિરાજને મુકી બીજાની સ્ત્રી થનાર નથી. આપ ક્‌હો છે કે આપનું કામ ન હોય તો રજા આપો. પણ આપનું કામ તો મ્હારું આયુષ્ય ખુટે ત્યાં સુધી છે. જેને પાસે બોલાવવાના તેને દૂર જવા રજા શી રીતે આપું ? ”

મણિરાજને દયા આવી.

“કમળાકુમારી, તમે કુમારિકા છો તો તમારે તમારાં માતાપિતા મોકલે ત્યાં જવું એ તમારો ધર્મ છે.”

કમળાએ ઉંડો નિ:શ્વાસ મુક્યો.

“મણિરાજ, રુકિમણી શ્રીકૃષ્ણને પોતાના મનથી વર્યાં હતાં તેમ હું મણિરાજને વરી ચુકી છું, અને મને શ્રીકૃષ્ણની પેઠે વરવા મણિરાજ - આપ - સમર્થ છો.” અાંસુથી ઉભરાતું અને ન્હાતું, આશાથી ચળકતું, અને આતુરતાથી ખેંચાતું સુન્દર મુખકમળ મણિરાજના ભણી ઉઘાડું થઈ ફર્યું; અને આંખો સામી આંખો થઈ દૃઢતા મુકી દયાર્દ્ર પુરુષનેત્રે સ્ત્રીનેત્રની અનુકંપા કરી.

“કમળાકુમારી, તમારા પિતા અમને શત્રુતુલ્ય ગણે છે. તમે મ્હારામાં ગુલાબ અને કેવડાના ગુણદોષ જોતાં હો તો તમે ચતુર માણસ છો તે એ ફુલની પેઠે મને તોડો. મ્હારે એક એવો નિયમ છે કે હું કોઈની પાસે કાંઈ માગતો નથી. તે તમારા પિતા પાસે કન્યા કેમ માગું?”