પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮


“કુમાર, તમારા બાગમાં આવવા દેશો ત્યારે મ્હારા ગુલાબને તોડીશ. પણ મ્હારા સરોવરમાં આવી તમારું કમળ તમે પ્રથમ તોડો. મણિરાજ, શ્રીકૃષ્ણની કળાથી મને વરોઃ” આમ બોલતી બેલતી કમળા પાસે આવી અને રોતી રોતી મણિરાજના ખભા ઉપર માથું મુકી દીધું.

મણિરાજે આઘા ખસવાનું કર્યું પણ તેમ કરે તો બાળા પડી જાય એવું હતું. તેના હૃદયમાં દયાને સ્થળે ખપતી વસ્તુના શરીરસ્પર્શથી રોમોદ્રમ થયો. પ્રિયજનનો હાથ હાથમાં લઈ રસચતુરાએ મન્મથનો ધ્વનિ મણિરાજના શરીરમાં પ્રવર્તાવ્યો અને પરખ્યો.

એને બે ખભે હાથ મુકી, એને જરા દૂર ખસેડી, ધર્મ અને રસના પરસ્પરવિરુદ્ધ પ્રવાહ વચ્ચે ઉભેલો મણિરાજ બોલ્યો:

“કમળા, શિષ્ટોના આચારનું હવે અતિક્રમણ થાય છે – આપણો વિવાહ હજી થયો નથી, રાજા થવાને સરજેલા પુરુષોએ ધર્મનું પાલન – કરવાનું - તે જાતે ધર્મ તોડે તો મહાન્ અનાચાર થઈ જાય - માટે – મણિરાજ આ વાક્ય પુરું ન કરી રહ્યો એટલામાં, "માટે દૂર જા" એટલું અધુરું વાક્ય બોલી દે એટલામાં, કમળા દૂર જવાને ઠેકાણે ગાઢ અને સર્વાંગી કંઠાશ્લેષ દેઈમણિરાજને વળગી પડી અને એના વિશાળ વક્ષઃસ્થળમાં માથું સમાવી દેઈ" એમ અદ્રશ્ય થયલા મુખવડે, બોલવા લાગી:

“આપ મ્હારા પતિ ન હતા ત્યાં સુધી દૂર જવાનું કહ્યું હત તો જુદી વાત. ઓ મ્હારા પ્રિય પતિ! જેવો મ્હારા તેવો જ આપણા અંગમાં ભગવાન અનંગનો સરખો અને સંપૂર્ણ અવતાર થયો છે; અને એ અનંગને આપણો અગ્નિ કહો કે આપણો ગોર કહો કે મને કન્યાદાનમાં આપનાર મ્હારો પિતા ક્‌હો – એણે આપણું આ લગ્ન સિદ્ધ કર્યું – એ ગાન્ધર્વવિવાહ થયો. સ્વામીનાથ! હવે હું મ્હારા પિતાની મટી આપની થઈ! હવે મને રુકિમણી ગણી લેઈ જાઓ કે ઓખાની પેઠે પરણેલી ગણી મ્હારું રક્ષણ કરો !”

આ અક્ષરે અક્ષર સાથે મણિરાજ સ્તબ્ધ થઈ ગયો. એના અંતઃકરણમાં અનેક વિચાર થઈ ગયા. પિતાની સંમતિ વિના આ સર્વ થાય છે એમ લાગ્યું ત્યારે આ સ્ત્રીને ધક્કો મારવાનો વિચાર થયો. ઘણીક કન્યાનાં ક્હેણ આવેલાં ત્યારે મહારાજે સ્પષ્ટ ઉત્તર આપેલો કે “અમારા કુલાચાર પ્રમાણે પુત્રો સમજણા થઈ જાતે પરણે છે;