પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯

પુત્ર મ્હોટો થાય ત્યારે તેને પુછજે.” આ ઉત્તર સાંભરતાં પિતાની સંમતિનો વાંધો ન લાગ્યો. અાજ આને કોણે અંહી અાણી અને આ કાકતાલીય શું બન્યું એ વિચાર થતાં આમાં કાંઈક ઈશ્વરની જ કર્તવ્યતા લાગી. શત્રુના ઘરની કન્યાનું મન હરવામાં પરાક્રમ લાગ્યું. બે શત્રુઓ આ લગ્નથી સંધાય તો અનેકધા રાજ્યકાર્ય થાય એ વિચારથી આ સંબંધ પ્રશસ્ત લાગ્યો, એ વિચારતુલામાં સર્વ યોગ્યતા લાગતાં માત્ર વિકારતુલા બાકી રહી ને એનું ચિત્ત હલાવવા લાગી. શુદ્ધ રજપુતાણી - એનું શૌર્ય અને એની બન્ધુકનો સફળ પ્રહાર! મણિરાજના ક્ષત્રિરસને એ પ્રહાર કરનારી ઉપર ઉમળકો આવ્યો. પોતાની છાતી આગળ ડબાયલું મુખ ઉચું કરી એક પળ-બે પળ–જોઈ લીધું, ફરી જોયું, ફરી જોયું અને વગર સમજ્યે, વગર વિચાર્યે વગર ધાર્યે અને વગર જાણ્યે પોતાના હાથથી એ મુખ અને માથું પોતાની ધકડતી છાતી સાથે ડબાવાઈ ગયું. એ સ્ત્રીનું કદ સ્ત્રીઓના પ્રમાણમાં મ્હોટું હતું, તેનું શરીર પાતળું નહી ને બહુ જાડું નહી પણ બેવડા કોઠાનું, માંસલ અને ઉંચું હતું: મણિરાજને એ શરીર ગમી ગયું અને નાજુક શરીરની સ્ત્રીઓની સંતતિ ક્ષાત્ર પ્રતાપ ધરતી નથી માટે આવું શરીર જ મ્હારે જોઈએ એવો વિચાર થતાં સ્નેહનો પક્ષપાત સંપૂર્ણ થયો. પતિના શરીરમાં આ મન્મથાવતારની સફલતા સમજી સ્ત્રી એની ઈચ્છાની વિરોધક થઈ નહી; અને એક ભુજમાં એનું આખું શરીર ભરી છાતી આગળથી દૂર કરી પોતાની એક બાજુએ એને મણિરાજે રાખી ત્યારે એ ક્રિયાને કમળા અનુકૂળ થઈ ગઈ. અંતે એને વાંસે હાથ મુકી મણિરાજ બોલ્યો: “કમળારાણી, અત્યારે તમારા પિતા પાસે જાવ – રત્નનગરી ગયા પછી સઉ વાતની વ્યવસ્થા તમારી ઈચ્છા પ્રમાણે થશે.”

બીજા એકાદ દિવસમાં સર્વ મંડળ રત્નનગરી પહોંચ્યું. ત્યાં મુળુનું શું કરવું એ વીશે સર્વ વિચારમાં પડ્યાં હતાં અને યુવરાજની વાટ જોવાતી હતી. મુળુના શિક્ષાપત્રમાં મલ્લરાજના શબ્દ લખાયા હતા, તે સ્પષ્ટ હતા. તે પ્રમાણે મુળુને હવે જીવનપર્યંત કેદ રાખવો જ જોઈએ ઈત્યાદિ સ્પષ્ટ હતું અને હવે વિચારવાનું શું હતું તે સામંતને સુઝ્યું નહિ. માત્ર શિક્ષાપત્ર પ્રમાણે કેદ કરો એવું રાજવચન જોઈતું હતું તે ઉચ્ચારવા મલ્લરાજે ના પાડી અને કહ્યું કે હવે હું નિવૃત્તિપક્ષમાં સ્થિતિ પામ્યો છું તે મુકી પ્રવૃત્તિને મ્હારી પાસે આવવા દેનાર નથી અને