પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦

હવે તે સર્વ ભાર યુવરાજને માથે નાંખ્યો છે તેને જે કરવું હોય તે કરે. ટુંકામાં મલ્લરાજે રાજ્યમાં રહી રાજ્યભાર પુત્રને માથે નાંખી પોતે માત્ર સર્વનો સાક્ષી જ રહ્યો હતો અને જરાશંકર સાથે જ્ઞાન અને ધર્મની ચર્ચા કર્યા કરતો હતો.

ખાચર મલ્લરાજને મળ્યો અને વૃદ્ધ ભીષ્મપિતામહ જેવા પાસેથી રાજનીતિના અને અનુભવના ઉપદેશ માગી લેવા લાગ્યો. એવામાં મણિરાજ રત્નનગરી આવ્યો.

મલ્લરાજને ખાચર વધારે વધારે પૂજ્ય માનવા લાગ્યો. મણિરાજ અને મુળુના મલ્લયુદ્ધના સમાચાર એણે મુળુને મુખેથી જ સાંભળી લીધો હતો. ધર્મયુદ્ધ, કપટયુદ્ધ, ઉદાત્ત શૌર્ય, શરીરબળ, મલ્લકળા પોતાના હાથમાં સર્વ વાતનું સૂત્ર હોવા છતાં આપેલી ક્ષમા, ઇત્યાદિ ગુણોનો આવિર્ભાવ મણિરાજે જેમાં સ્પષ્ટ કર્યો હતો એવું મુળુ સાથેનું યુદ્ધ અને મુળુનો પરાભવ – એ સર્વથી મુળુ નરમ થઈ ગયો હતો અને જે મણિરાજને તેની બાલ્યાવસ્થામાં નિર્માલ્ય અને રાજ્ય કરવા અયોગ્ય માનતો હતો તેને આજ પોતાના કરતાં વધારે બલવાન, પ્રવીણ અને રાજ્ય કરવાને યોગ્ય માનવા લાગ્યો. એણે પોતાના હાથ આજ નીચા કરી દીધા અને જે રાજ્યનું બળ પોતે વધારવું જોઈતું હતું તે રાજ્યના સામી આટલી આટલી ખટપટ કરી માટે પોતાને મૂર્ખ અને પાપી ગણી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એની સર્વ વાત સાંભળી ખાચર પુષ્કળ હસ્યો, અને મણિરાજ વીશે પોતાનો અભિપ્રાય વધારે સારો થયો ખરો; પણ હારેલા, ઘવાયલા, કેદ થયેલા મુળુએ એને આકાશ ચ્હડાવ્યો તે માત્ર મુળુના મનની અશક્તિ ગણી મુળુની મશ્કરી કરવા લાગ્યો. મણિરાજની ગોળી પ્રથમ જ મુળુને વાગવાને ઠેકાણે એના ઘોડાને વાગી એટલાથી એણે નિશ્ચય કર્યો કે મણિરાજમાં અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ કાંઈ પણ નથી, એવો માણસ ગાદી પર બેસે એ તો રાજ્યનું હીનભાગ્ય એ વચન ખાચરે મુળુને સ્પષ્ટ કહ્યું.

મણિરાજ રત્નનગરી આવ્યા પછી સામંતે એની પાસે મુળુની વાત ક્‌હાડી અને પિતાના શિક્ષાપત્ર પ્રમાણે મુળુને આયુષ્ય સુધી કેદ રાખવાની આજ્ઞા માગી. મણિરાજે વિચાર કરવા વખત લીધો અને મુળુની મા અને બ્હેનને બોલાવ્યાં.

રત્નનગરીમાં કેદ ર્‌હેવું અને ખાચરના રાજ્યમાં સ્વતંત્ર ર્‌હેવું બેમાંથી કીયું મુળુને ગમે છે અને તેને ક્યાં રાખવો તમને ગમે છે એવું