પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨

અમારા શત્રુ તે તમારા શત્રુ ગણ્યા તો ખાચર રાણા પણ તમારા શત્રુ થયા ને તમારા શત્રુની તમારે સારુ ખાતરી માગવી એ તો તમને ન છોડવા હોય તો કરીયે. માટે કાકી, બ્‍હેન, અને ભાઈ એ ત્રણેનાં વચન કરતાં ક્ષત્રિયો ક્ષત્રિયોની વધારે બાંહ્યગીરી શી લેવાના હતા? એવી એવી બાંહ્યગીરીઓ ત્રુટશે ત્યારે રજપુતોની રજપુતાઈમાં જેટલું બાકી રહ્યું હશે તેટલું પરખાશે. માટે હું તમારી ઈચ્છા સ્વીકારું છું, અને મુળુભાને ક્‌હેજો કે આશા રાખનાર છેતરાય છે પણ મણિરાજ તમારા તરફથી કંઈ આશા રાખતો નથી ને છેતરાતો નથી અને હવે મ્‍હેં મ્‍હારાપણું બતાવ્યું તો તમે તમારાપણું બતાવવાનું તે કેવી રીતે બતાવો છો તે જોઈશું. ”

આ પ્રમાણે મુળુનું ભાગ્ય બાંધી મણિરાજ પોતાની માતા મેનારાણીને મ્‍હેલ ગયો. ત્યાં કમળાકુમારી રાણીને મળવા આવી હતી અને એની અાંખ મણિરાજને શોધતી હતી. મણિરાજે બે જણને એકઠાં જોઈ માતાને દૂર બોલાવી પોતાને કમળા સાથે પડેલો પ્રસંગ ટુંકામાં જણાવી દીધો. રાણી કંઈક વિચારમાં પડતાં મણિરાજે કહ્યું: “ માતાજી, આમાં કાંઈ વિચાર કરવાનું રહ્યું નથી. કારણ હું વચન આપી વરી ચુક્યો છું અને પિતાજીએ આ વાત મ્‍હારી ઇચ્છાઉપર રાખી હતી. માટે આપ હવે એ કન્યાને આપના મ્‍હેલમાં સંભાળી રાખજો અને એમને ક્‌હેજો કે તમારા પતિની એવી આજ્ઞા છે કે બીજી આજ્ઞા થતા સુધી તમારા પિતાને ઘેર તમારે જવું નહી - તમારા પિતા આજ્ઞા કરે તો પણ જવું નહીં.”

મેનારાણી આશ્ચર્યમાં પડી: “કુમાર, કન્યા લાવો તો ભલે લાવો, પણ આ તો કન્યાનું હરણ કર્યું ક્‌હેવાય અને હવે ઈંગ્રેજ સરકાર આપણે માથે રહ્યો.”

મણિરાજ – “માતાજી, એ તો કન્યાની ઈચ્છા ન હોય ને આપણે તેનું હરણ કરીયે તો જુદી વાત, પણ આ તો કન્યા વળગી પડીને કહે છે કે તમે મ્‍હારા પતિ છો અને મ્‍હારા પિતાના શત્રુ છો માટે તમે મ્‍હારું હરણ કરો એટલે પિતાની આજ્ઞા તોડી નહીં ક્‌હેવાય, કન્યાઓનું હરણ કરવું એ એમના તમારા ચંદ્રવંશનો ધારો કૃષ્ણાવતારમાંથી પડ્યો છે.”

મેનારાણી – “પણ તમારો શત્રુ ફરીયાદી કરશે ને ઈંગ્રેજ હેરાન કરશે તે ? – તમારા પ્રધાનને તો પુછો – ”

મણિરાજ - “માતાજી, સરકાર કન્યાની જુબાની લેશે તેમાં કન્યા