પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪

ખાચર – “ત્રીજું કાંઈ નથી. બીજી બધી રીતે એ યોગ્ય છે.”

આ પ્રસંગે આ બે રાજાઓ મલ્લરાજના એક મ્‍હોટા બાગને છેડે બેઠા હતા અને ત્યાં એક સરોવરની કોર અને પાળ હતી. સરોવરને સામે છેડે મણિરાજનો બાગ હતો, મલ્લરાજે પુત્રના બાગ ભણી આંગળી કરી કહ્યુંઃ “રાણા, આ સામેનો બાગ મણિરાજનો છે, ત્યાં એ અત્યારે હશે. આપણે વેશ બદલી ત્યાં જઈએ અને એ બે વાનાંમાં એની પરીક્ષા કરીએ તેમાં તમે હારો તો પછી ?”

ખાચર – “પછી મ્‍હારે આ બધું કબુલ. ”

બે રાજાઓ શસ્ત્ર અસ્ત્ર સજી કાબુલીઓનો વેશ લેઈ મણિરાજના બાગ ભણી ગયા. બાગનો દરવાજો વાસેલો હતો અને ત્યાં બેઠેલામાંથી એક દરવાને કાબુલીઓને અંદર જવા ના કહી. તેમણે આજીજી કરી કહ્યું કે, “અમારે બાગ જોવો છે ને મણિરાજને મળવું છે – તમે અમારે સારુ ગમે તો પરવાનગી લઈ આવો.” દરવાન કહે, “અંદર યુવરાજ અને રાણી બે જણ ગયાં છે એટલે તમને નહી જવા દઉં ને રજા માગવા પણ હું નહીં જાઉ.” તળાવ અને બાગના ખુણા સુધી બાગનો કીલ્લો હતો તે ખુણા આગળ બે જણ ગયા. એ ખુણા આગળથી અર્ધી વ્‍હેંત જમીન, પાણી અને બાગની વાડ વચ્ચે હતી, તે ઉપર પગ મુકી બે જણ વાડની લગોલગ ચાલ્યા. થોરીઆ, કાંકળો, અને બીજા કાંટાની અભેદ્ય જબરી વાડ આગળ ઉપાય ન હતો. પણ વાડની લગોલગ ઠેઠ જવાય એવું હતું. તે વાડમાં નજર કરતા કરતા બે જણ ચાલે છે અને દેખાતું તો કાંઈ નથી પણ કાને સ્વર આવ્યો, આ સ્વર વરકન્યાનો હતો અને બેના પિતાઓ કાન માંડી ઉભા રહ્યા. સ્વર વાધ્યો.

“યુવરાજ, મને બધો બાગ દેખાડ્યો પણ એક વાત આપે કરવાની બાકી રહી છે.”

"શી ?"

“આપણામાં રાક્ષસવિવાહ કહેવાય છે તે એવો કે પુરુષ સ્ત્રીને કેદ કરી પરણે; તે પ્રમાણે આપે મને મ્હારા પિતા પાસે જતી અટકાવી એવો રાક્ષસવિવાહ આપના કુળમાં યોગ્ય છે?”

મણિરાજ હસ્યો. “પ્રથમ કન્યાની ઈચ્છાથી ગાન્ધર્વવિવાહ થઈ ગયો અને કન્યાએ બાપની અસંમતિ જણવી એટલે ગાન્ધર્વવિવાહને અંતે શત્રુ, શ્વશુરના ઘરમાંથી એ વરેલી કન્યાને ઉપાડી લેઈ