પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫

રાક્ષસવિવાહ કરવો એ તો યોગ્ય જ છે. કમળારાણી, શત્રુઓ સાથે રાક્ષસ થવું એ અમારો કુળાચાર છે.”

“ત્યારે તે કાળે આપણે બે જણે સાથે લાગી બન્ધુક ફોડવી એવી મ્‍હારી અરજ સ્વીકારવા કહ્યું હતું તે હજી સુધી આપે સ્વીકારી નથી.”

વધારે કાંઈ વાતચીત થોડી વાર સુધી થઈ નહી. એટલામાં એક પક્ષી સરોવરમાંથી મત્સ્ય લેઈ ઉચું ઉડ્યું. તે પચાસ હાથને આશરે ઉંચું ઉડ્યું હશે એટલામાં બાગમાંથી બન્ધુકની બે ગોળીઓ ભડાકા સાથે એ દિશામાં ગઈ તેમાંથી એક ગોળીએ એ પક્ષીને વીંધ્યું અને તેના ઉપર થઈને બીજી ગોળી અમસ્તી ચાલી ગઈ '

કમળા ખડખડ હસતી સંભળાઈ, “પુરુષોનું ભાગ્ય જ મ્‍હોટું. યુવરાજ, હું કદી આમ ગોળી ચુકી નથી તે આજ ચુકી, અને તમારી બરોબર લાગી.”

“એમ નથી. જો મ્‍હારી ગોળી વાગી ન હત તો તમારી ગોળી બરોબર વાગત. તમારી ગોળી જતાં જેટલી વાર ઘણુંખરું લાગતી હશે તેટલી વાર નજરમાં રાખી તમે ગોળી મારી તે પક્ષી પ્‍હોંચતા પ્‍હેલા મ્‍હેં મ્‍હારી ગોળી પ્‍હેલી વાગે એમ તાકી અને વ્‍હેલી વાગી. ”

“એ વાત તો ખરી – મને એટલી લક્ષ્યસિદ્ધિ નથી.”

“આ પાસેની વાડો નીચે કોઈ માણસો છે. દરવાનોની ગફલતથી આવ્યા હશે.”

“હા–એવું કાંઈ છે ખરું. ”

ખાચર ચમક્યો અને સજજ થયો.

“હશે જે હશે તે, આપણે શું?” કમળાનો સ્વર બોલ્યો,

"એમ ન થાય, એમને ચોરી કરતાં આવડી તો આપણને ચોકીદાર થતાં નહી આવડે? ”

“મને કેદ કરી અને કપટવિદ્યાના ગુરુ મહારાણા ખાચરને છેતરી એમનું ઘર ફોડનારને શું નહી આવડે?”

મલ્લરાજનું હસવું રહ્યું નહી અને બોલાઈ જવાયું: “ રાણા, મ્‍હારા પુત્રને ભોળો ક્‌હેનાર તમે, ને તમારા કરતાં એને વધારે કપટી કહેનારી તમારી પુત્રી – તે તમને બેને એળખે છે - તેને મ્હોંયે તમારો ન્યાય.”