પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭

આ વાર્તાનો અંત એવી રીતે આવ્યો કે ખાચર સમઝ્યો, શરમાયો, કમળાવતી પોતાના કાંટાવાળાં ગુલાબ અને કેતકની માળણ બની, અને એના પિતાએ દુરાગ્રહ મુક્યો.

મલ્લરાજ આજ સર્વ રીતે ભાગ્યશાળી ગણાયો. પુત્ર પરાક્રમી નીવડ્યો. રાજ્યનો અંત:શત્રુ મુળુ શાંત થયો, બાહ્ય શત્રુ ખાચર મિત્ર થયો અને વ્હેવાઈ થયો. શત્રુની પુત્રી સાથે યુવરાજનું લગ્ન થયું અને વેરમાં વ્હાલ થયું. અધુરામાં પુરું ફાક્‌સ સાહેબને ઠેકાણે તેના હાથ નીચેના લીલાપુરવાળા સદ્‍ગુણી બસ્કિન્ સાહેબની બદલી પણ આવામાં જ થઈ અને તેમને અને બ્રેવ સાહેબને જુની મિત્રતા હતી એટલે આ પાસની પણ ચિન્તા મટી ગઈ. યુવરાજ, વિદ્યાચતુર અને સામંત મળી સર્વ રાજ્ય સારી રીતે ચલાવવા લાગ્યા. મલ્લરાજે પોતાનો આવાસ નગરમાંથી બદલી બાગમાં કર્યો અને વૃદ્ધ રાજા અને જરાશંકર સર્વ એષણાઓ ત્યજી એકાંતમાં ધર્મવિચારમાં કાળક્ષેપ કરવા લાગ્યા. એમ કરતાં એક દિવસ પ્રાતઃકાળે રાજાએ અંતકાળ પાસે લાગતાં સર્વે કુટુંબ બાગમાં બોલાવ્યું.

પોતાની વાનપ્રસ્થ અવસ્થા ગણી મલ્લરાજે એક મ્હોટું વાંસનું ઝુંપડું બંધાવ્યું હતું અને જમીન ઉપર માત્ર લીંપણ હતું. તેમાં પલંગને ઠેકાણે એક સુતળીના ખાટલામાં સાદડી નાંખી તે ઉપર રત્નનગરીનો મહારાજ સુતો હતો. એને શરીરે માત્ર એક ધોતીયું અને એક ઢીલું પહેરણ હતું, અશક્તિ હોવા છતાં તેણે પ્રાતઃકાળમાં સ્નાન કરેલું હતું. અસલના પ્રચંડ શરીરને સ્થળે પાતળું હાડપિંજર ખાટલામાં મડદા પેઠે ચતું પડેલું હતું અને હાથનાં તરવાર જેવાં હાડકાં ખભાથી ઢીંચણ સુધી લાંબાં પડેલાં હતાં. તેના પ્રતાપી કપાળ ઉપર ભસ્મ લગાવ્યું હતું અને એના શ્વેત કેશને શિખા બાંધી દીધી હતી. એની મ્હોટી મુછો અને થોભીયા ધોળા કરમાયલા જેવા થઈ ગયા હતા. રાજાની અાંખનું તેજ અને વાણી છેક છેલે સુધી રહ્યાં. તેના ખાટલાની એક પાસ મેનારાણી પૃથ્વી ઉપર મડદા જેવી બેઠી હતી. આંખમાં ન ખળી ર્‌હેતી આંસુની ધારાએ ઘડી ઘડી લ્હોતી હતી અને રડવું ખાળી રાખતી હતી. બીજી પાસ વૈદ્ય નાડી ઝાલી બેઠો હતો અને ઘડી ઘડી ઔષધ લેવા ઉઠતો હતો. મણિરાજ રાજ્યકાર્ય કરતાં દિવસમાં પાંચ સાત વાર પિતા પાસે આવતો અને રાત્રિયે એની પાસે પૃથ્વી ઉપર સુતો, તે આવી પિતાની