પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮

સ્વામી ઉદાર દેખાય અને સેવક કૃપણતાનો આરોપ વેઠી સ્વામીનું દ્રવ્ય બચાવે, તેમ જ રાજકાર્યમાં પણ યશ-અંગ રાજાનું છે. આનો અર્થ એમ નહીં કે પ્રધાને યશ ન શોધવો અને રાજાએ કાર્ય ન કરવું. કાર્ય એ રાજાનો આત્મા છે અને યશ એ રાજાનું અંગ છે અને અંગથી આત્મા ઢંકાયેલો ર્‌હે છે. પ્રધાનને યશ પણ સાધ્ય છે પણ એનો યશ રાજાનું કાર્ય સાધવામાં છે, રાજાના હૃદયમાં છે, અને રાજાની ફલસિદ્ધિમાં છે, અને રાજના યશ-અંગમાં રાજાને નામે ઢંકાયેલો છે. રાજ્યકાર્યને અંગે જો અપયશ પ્રધાને વ્હોરવો પડે છે તેનું અનિષ્ટ પરિણામ તેની જાતને વેઠવું પડે તેમાંથી તેનું રક્ષણ કરવું એ રાજાનું કામ છે, એમાં રાજાને પોતાની જાતના સ્વાર્થનો ત્યાગ કર્તવ્ય છે, અને જે રાજા આ અવસ્થા સ્વીકારે તો જ તેના કાર્ય- આત્માનું કુશળ છે. આવાં આવાં અનેક કારણોથી રાજા પ્રધાન વચ્ચે કર્મવિભાગ કરવામાં રાજાને યશ-અંગનાં કર્મ સોંપવાં અને પ્રધાનને કાર્ય- અંગનાં કર્મ સોંપવાં અને અંતમાં ઉભયનો આત્મા એક રાખવો એ રાજ- નીતિનો પ્રથમ અને આવશ્યક પાયો છે, એ પાયા વગર બાંધેલું સર્વે બાંધકામ પોલું અને રાજા અને પ્રજા ઉભયને અકુશળ છેઃ આવો વિદ્યાચતુરને સિદ્ધાંત હતો તે વાર્તાવિનોદ પ્રસંગે તેણે સરસ્વતીચંદ્રને કહ્યો હતો. આ પ્રસંગ આજ એને સાંભરી આવ્યો અને મણિરાજના પ્રધાનનો સિદ્ધાંત વ્યવહારમાં કેમ સિદ્ધ થાય છે તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત રાધેદાસની વાર્તામાંથી નીકળ્યું. આ દૃષ્ટાંત ઉપરથી વિચાર થતાં એને સાંભર્યું કે

सदानुकृलेषु हि कुर्वते रतिम् ।
नृपेष्वमात्येषु च सर्वसंपदः ॥ [૧]

અને આ શ્લોકમાં કેવલ વાક્‌પટુતા જ નથી પણ કંઈક અનુભવનું અર્થગૌરવ છે તે સમજાયું. “આવા દુરવાસી બાવાઓની પણ મણિરાજ ઉપર આટલી પ્રીતિ, અને પ્રીતિને અંગે તેમને આટલું ભય કે પોલીસ સરખીનું પણ કામ પડતું નથી – વિદ્યાચતુર ! મણિરાજના યશશરીરનો સાધક તમારો અને મણિરાજનો સંબંધ કેવો પ્રીતિકર છે ! – નક્કી તમારામાં આવા કાર્યની સાધક કલા ગુણસુંદરીએ જ સમર્પી છે – ગુણસુંદરી ! – કુમુદસુંદરી –” કુમુદ સાંભરી ત્યાં અંતર્માં ઉંડો ઘા પડ્યો અને હૃદય આગળ મર્મવેધક સૃષ્ટિ આવી અને ચમકારા કરવા લાગી. પણ રાધેદાસે કષ્ટવિચારમાં સુવિક્ષેપ પાડ્યો. પત્થરો, વેલાઓ, છોડવા, અને


  1. ૧. ભારવિ. અર્થ:– પરસ્પરને સદા અનુકૂલ હોય એવા રાજાઓ અને અમાત્યો ઉપર સર્વ સંપત્તિઓ પ્રીતિ રાખે છે.