પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪


જેનાં ફળ એના મરણકાળે દૃષ્ટિમર્યાદામાં આવ્યાં હતાં, તે રાજનીતિ, તે ફળ, અને તે ફળનાં બીજમાંથી ઉગી નીકળતા નવા વૃક્ષઃ એ સર્વે નવો દેખાવ આ પુણ્યશાલી પ્રતાપી સંયમી મહારાજાની પાછળ એના રાજ્યમાં એના સ્મરણાર્થ રચાયલા અનેક પવિત્ર તુળસી ક્યારાઓ અને શિવાલયો પેઠે ઉભો થયો.



પ્રકરણ ૧૪.
મણિરાજનો શોક અને પિતૃદર્શન.

O star of strength ! I see thee stand
And smile upon my pain;
Thou beckonest with thy mailed hand,
And I am strong again.
-Longfellow.

પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયોઃ અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી – કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું.