પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ર૯

“મહારાજના ચિત્તમાંનો ધર્મસેતુ તે આ જ પથરાઓનો ! એ બાંધવામાં ભાગ લેવાનો આ સ્વપ્નોપદેશ!” આળસ મરડી જુવે છે તો એક પાસ કમળા રાણી છાતી ઉપર હાથ મુકી ઉભી હતી તે પાસે આવી.

“આપની અવસ્થા જાણી માતાજીનો શોક વધ્યો છે. તેમને આશ્વાસન આપવાનું મુકી દેઈ આપ જ શોકમાં પડ્યા, ત્યાં તેમના શોકને ઉતારવાં કોઈ સમર્થ નથી.”

“ખરી વાત છે. મહારાજનો સહવાસ એમની આગળ મ્‍હારે તો આજકાલના જેવો જ. થોડા શોકવાળાએ વધારે શોકવાળાને આશ્વાસન આપવું, પુત્રે માતાને આપવું, અને પુરુષજાતિએ સ્ત્રીજાતિને આપવું – એ ધર્મ મહારાજને મુખે સાંભળેલો છે.” મણિરાજે છેટેથી ઉત્તર આપ્યો. કમળાએ મણિરાજને ખભે હાથ મુક્યો. મણિરાજે તે ઘણે દિવસે સ્વીકાર્યો. રાણી ઉત્તેજન પામી બોલી, “ સાંભળ્યું છે કે સાહેબ પ્રાતઃકાળે મહારાજનો શોક ઉતારવા આવે છે.”

પ્રથમ જ “મહારાજ” સંબોધનને અભિનંદન પણ ન કરી તેમ તિરસ્કાર પણ ન કરી, મણિરાજ બેઠો, રાણીને પાસે બેસાડી, અને બોલ્યો,

“મને લાગે છે કે માતાજીનાં દર્શન કરવામાં પ્રમાદ થાય છે.”

“એ વાત તો ખરી. તેમનાં દર્શનકાળે માતા પુત્ર અને અમ જેવા સર્વને શાંતિ વળે છે.”

“તો તે ધર્મ પાળવામાં હું પ્રમાદ ન કરું તે જોવું તમને સોંપ્યું.” મણિરાજ શૂન્ય દૃષ્ટિ કરી ઉભો.

રાણીએ મણિરાજનો હાથ ઝાલ્યો. તે પાછો ઉંડા વિચારમાં પડ્યો. રાણીએ તેને હીંદોળા-પલંગ ભણી દોર્યો.

“મહારાજ, ઉંડા વિચારમાં પડ્યા છો."

કેટલીક વારે મણિરાજ બોલ્યો. “આ દીવાને લીધે આપણી છાયાઓ ઘડીમાં આપણી સાથે અને ઘડીમાં આગળ ચાલતી દેખાય છે તે જોઈ?"

"હાજી, આપણી બેની છાયાઓએ પણ પ્રેમસંકેત જ કરેલો છે.”

“એ છાયામાં જાડા પગ પાતળા થાય છે, પણ દશ ગણા લાંબા થાય છે. તમારી છાયાનો આ હાથ પણ એવો જ થઈ ગયો.”

“ એમ જ."