પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦

“પણ જુવો આ આપણાં માથાંને સ્થાને છાયાઓમાં તો પલંગ જેવડાં માથાં થઈ ગયાં !”

“ઈશ્વરની માયા એવી જ છે ! આ જુઓ ! ”

“હવે તો માથાં વગરનાં ધડ ચાલે છે !”†[૧]

મણિરાજ તે જોઈ રહ્યો અને અટક્યો.

“રાણી ! સ્વપ્નની માયા એવી જ છે !” મણિરાજ પોતાના સ્વપ્નને ઉદ્દેશી બોલ્યો.

“મહારાજ, સંસાર પણ એવો જ છે.” મણિરાજનો શોક ઉતરી તેનું મન અન્યત્ર ખેંચવા ઈચ્છનારી, પણ તેને આવેલું સ્વપ્ન ન જાણનારી, રાણી બોલી.

મણિરાજ - “ન્‍હાનો સરખો વિચાર સ્વપ્નમાં મ્હોટો થઈ જાય છે તેમાં ઢંગ પણ નહી ને ધડો પણ નહી !"

કમળા – “ખોટી ખોટી વાતો સંસારમાં પણ સાચી લાગે છે.”

મણિરાજ - “આ એક જેવી અનેક છાયાઓ સ્વપ્નમાં ભમે છે.”

કમળા – “કરોળીયાની જાળ જેવી સંસારની રચના થઈ જાય છે.”

મણિરાજ – “ભમરીઓના મધપુડા જેવું સ્વપ્ન બંધાય છે અને જાગીએ ત્યાં ભમરીઓ અને મધ ઉભય અદૃશ્ય થાય છે, અને થોડા ઘણાક સ્મરણનું ખોખું લટકેલું ર્‌હે છે.”


  1. † * * * * His slanting ray
    Slides ineffectual down the snowy vale,
    And * * from every herb and every spiry blade
    Stretches a length of shadow over the field.
    Mine spindling longitude immense,* * *
    Provokes me to a smile. With eye askance
    I view the muscular proportion'd limb
    Transformed to a lean shank. The shapeless pair
    As they designed to mock me at my side,
    Take step for step; and, as I hear approach
    The cottage, walk along the plaster'd wall,
    Preposterous sight ! the legs without the man.
    ---Cowper's 'Winter Morning Walk.'