પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧


કમળા – “કાલનો સંસાર આજ નથી દેખાતો અને આજનો કાલ નથી ર્‌હેવાનો.”

મણિરાજ – “એમ જ ! પળ ઉપરનું સ્વપ્ન અત્યારે પુરું પાંશરું સાંભરતું પણ નથી.”

આટલી વાતો કરતાં કરતાં કમળાવતીએ મણિરાજને હીંદોળા ઉપર લીધો હતો અને પોતાના ખોળામાં તેનું માથું મુકી એના હૃદય ઉપર પ્રીતિનો કોમળ હાથ ફેરવતી હતી અને પગ વડે હીંદેળો ઝુલાવતી હતી.

“માણસોનાં મ્હોં પણ સ્વપ્નમાં જુદાં જણાય છે;” સુતો સુતો મણિરાજ બોલ્યો.

કમળા – “સંસારમાં તો માણસોની બુદ્ધિઓ પણ ક્ષણમાં એક અને ક્ષણમાં બીજી થાય છે - વીજળીના ચમકારા જોઈ લ્યો. મ્હોં પણ તેવી જ રીતે સર્વાવસ્થામાં એક ર્‌હેતાં નથી; બાલપણમાં તો ઘડી ઘડી બદલાય છે.”

મણિરાજ - “જીવ છતાં જે સ્વભાવ અને વિચાર માણસમાં હતા નથી તેવા સ્વભાવ ને વિચાર ધરી, મરેલાં માણસ સ્વપ્નમાં આવે છે, અને પોતે કદી બોલેલાં ન હોય એવાં વચનનો ઉદ્ગાર કરે છે.”

કમળા – “મહારાજ, એવાં સ્વપ્નની ભ્રમણાને હૃદયમાં ભટકવા દેશો માં.”

મણિરાજ - “રાણી, કદી કદી જાગૃત કરતાં સ્વપ્નની મીઠાશ જુદી જ લાગે છે."

મણિરાજની આંખ મીંચાવા માંડી તેની નિદ્રાને અસ્વપ્ન કરવા રાણી ધીમે સ્વરે ગાતી ગાતી કરકમલ ફેરવવા લાગી. અંતે એ વેલી પણ નિદ્રાપવનની લ્હેરથી ઝુકવા લાગી.

“વ્હાલા ! સ્વપ્ન ત્હારાં થાવ ઘણું મીઠડાં જો !
“મ્હેંયે સ્વપ્ન ત્હારાં છે જ ઘણાં દીઠડાં જો. – વ્હા૦
“પિતામાતને ખોળે તું રમ્યો લાડમાં જો,
“રમે જેમ મીઠાં આભલાં અસાડમાં જો. – વ્હા૦
“મહા...રાજ જોગી ને તપસ્વી એ હતા જો,
“મહારાજ પરમ ધામ કૃપાનું હતા જો. -વ્હા૦
“ગયું છત્ર એવું ઉડી ઉંચે સ્વર્ગમાં જો,