પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
“ઉંડા ઘા જ પડ્યા રાણીજીના મર્મમાં જો.-વ્હા૦
“માતાપિતાનો ભક્ત તું તો રાજવી જો,
“ધારા આંસુડાની રહી હવે ઢાળવી જો. -વ્હા૦
"પિતામાતના ગુણો ન વીસારે પડે જો,
"તેના અંશઅણુ જેવું ખોળ્યું ના જડે જો. -વ્હા૦
"એવા કાળમાં વિચાર, વ્હાલા, ધર્મને જો,
"શોધી લેની હરીઇચ્છા તણા મર્મને જો, –વ્હા૦
"મહારાજની પ્રજા અનાથ આ બની જો,
"તને સોંપીને સનાથ, પિતાએ, ગણી જો. – વ્હા૦
"હવે મોહ છોડી, છોડી હર્ષશોકને, જો,
"પુરુષ ! ધાર ધુરી રાજ્યની સદા ખભે જો. -વ્હા૦
"માતા ને પ્રજાને શોકથી ઉદ્ધારજે જો,
"બધે સુખ ને સમૃદ્ધિને વસાવજે જો. –વ્હા૦
"ભ્રમર! ભમજે વને વને ફુલે ફુલે જો,
"મધુર મધુર મધુ શોધજે ને ગુંજજે જો ! –વ્હા૦
"ગિરિ, સાગર, અરણ્ય, ને હલેલીયો જો,
"સધુ, સંત, ચતુર્વર્ણ, પુરુષ ને સ્ત્રીયો, જો. –વ્હા૦
"એ તો તરસ્યાં છે સર્વ તુજ મધુ તણાં જો !
"વાટ જુવે ત્હારી લેવાને ઓવારણાં જો. –વ્હા૦
"રાજા ! જાગજે સજાત પ્રજાને કરી જો !
"રાજા ! લેજે આશિષ, પ્રજા દે ઠરી જો ! –વ્હા૦

નિદ્રાયમાણ રાણીને રાજાનાં, ને રાજાને પ્રજાનાં સ્વપ્ન બીજા સંસારમાં રમાડવા લાગ્યાં.