પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
પ્રકરણ ૧૫.

સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત.

કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરી સાથે વિદ્યાચતુર ૨ત્નનગરી આવ્યો તે સમયે મણિરાજને ગાદી પર બેઠે બે ત્રણ વર્ષ થયાં હતાં.

જે બાગમાં મલ્લરાજ ગુજરી ગયો તે બાગમાં મલ્લેશ્વર નામ આપી એક સાધારણ કદનું પણ સુંદર શિવાલય કરાવ્યું હતું, કારણ આ રાજ્યમાં રાજાઓ મૂળથી શિવમાર્ગી હતા. છતાં વૈષ્ણવ ધર્મ પણ પ્રજામાં પ્રચાર હોવાથી રાજાઓ તેનો આદર કરતા, અને શિવાલયથી થોડે છેટે ચારે પાસ એ જ બાગમાં મલ્લરાજની પાછળ કેટલાક ન્હાના મ્હોટા તુળસીક્યારા પણ બંધાવેલા હતા.

સ્વામી ગયા પછી વિધવા રાણી મેનાએ આ જ બાગમાં રાત્રિ- દિવસ ર્‌હેવાનું રાખ્યું હતું. જે ઝુંપડીમાં મહારાજે દેહ મુક્યો તે જ ઝૂંપડીમાં રાજવિધવા પૃથ્વીપર શય્યા કરી પડી ર્‌હેતી: રાજસંબંધી સંસારસંબંધી કે કોઈ પણ પારકા વિષયની વાત કરવી કે સાંભળવી તેણે બંધ કરી હતી. દિવસમાં એક વખત નીરસ ભોજન કરતી. વાડીમાં માળીઓ અને મણિરાજ શીવાય કોઈ પુરુષનો સંચાર ન હતો. પ્રાતઃકાળ પ્હેલાં વ્હેલી ઉઠી મેના પવિત્ર આસન ઉપર બેસી પ્રિય પ્રતાપી પતિનું સ્મરણ કરી અશ્રુપાત કરતી ઈષ્ટદેવતાનું સ્મરણ કરી શાંત થતી, અને પરલોકમાં પતિસંયોગ ઈચ્છી નિ:શ્વાસ મુકતી. સૂર્યોદય થતાં મલ્લેશ્વરની પૂજા કરતી અને સર્વે તુળસીક્યારાઓમાં પાણી સિંચતી તે થઈ ર્‌હેવા કાળે નિત્ય મણિરાજ અને કમળાવતી સજોડે આવતાં અને મેના જ્યાં આગળ હોય ત્યાં જઈ તેને પગે પડી, તેને બેસાડી, પોતે તેના સામે પૃથ્વી પર બેસી, ધર્મનો ઉપદેશ અને આશીર્વાદ માતાપાસે લેતાં. થોડી વારે મણિરાજ જાય અને કમળાવતી વાડીમાં ચારે પાસ ફરી રાજમાતાનું ચિત્ત પ્રકુલ ર્‌હે એવી તપાસ રાખતી, માતાને સુવાની પથારી, પ્હેરવાનાં વસ્ત્ર, અન્નપાનની સામગ્રી અને ઝુંપડીનો સર્વ સામાન જાતે પોતાને હાથે દાસીભાવથી તયાર કરતી. માતાને જમાડતી, અને પછી સ્વામીસેવાને અર્થે મ્હેલ જતી.