પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

માટીવાળા માર્ગમાં થઈને સરસ્વતીચંદ્રને પર્વતની કોર આગળ લેઈ ગયો. કોર આગળ ખુણો પણ હતો. ત્યાં એક મહાન શિલા ચોરસ અને ઉપરથી લીસી હતી તે ઉપર બે જણ બેઠા. સરસ્વતીચંદ્ર એના ઉપર પણ ઉભો થયો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી વાળ્યો. દક્ષિણમાં તાડનાં વન હતાં. ઉંચા ઉંચા તાડ ન્હાના છોડવા હોય તેમ દૃષ્ટિ એક ફેરો ખાઈ બધા તાડ ઉપર ફરી વળી. પૂર્વમાં મનહરપુરીની સીમા, અને આંબાનાં વન હતાં. સૂર્ય સામે આવતો હતો અને નેત્રને ઝાંઝવાં વાળતો હતો. નેત્ર એણી પાસથી ફર્યું અને ઉત્તરમાં વળ્યું. સુન્દરગિરિનાં સર્વ શ્રૃંગો–શિખરો– જાનનાં માણસો પેઠે એક બીજાના ખભા ઉપર માથાં કરી જોઈ ર્‌હેતાં હતાં અને નવા તેજના રંગથી રંગાતાં છેટે આકાશમાં ભળી જતાં હતાં. દક્ષિણમાં આવતાં નેત્ર ઉંચા શિખરો છેડી, છેક નીચાણમાં આધે સમુદ્ર હતો તે ઉપર પડ્યું. પશ્ચિમમાં સમુદ્ર, પૂર્વમાંથી-દક્ષિણમાંથી–વહેતી આવતી સમુદ્રને મળતી સુભદ્રા, અને જોનાર ઉભા હતા તેમના પગ આગળથી નીચે પથરાતો પર્વત અને તે નીચે એની તળેટીઃ આ સર્વ કોરપાલવ વચ્ચે વિચિત્ર ભવ્ય- ચિત્રપટ- ચિત્રોથી ભરેલું વસ્ત્ર – પડી રહ્યું હતું તે ઉપર સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરવા–ઠરવા-લાગી. રાધેદાસે આ વસ્ત્રમાંનાં ચિત્રોની કથા વિસ્તારથી ક્‌હેવા માંડી.

“ નવીનચંદ્રજી ! આ જોઈ દ્હેરાની ઠઠ ? અંહીથી તો ચાતુર્માસમાં જોવાની ગમત છે. ઉપર વાદળાં, અંહીથી તે નીચે તળેટી સુધી સરતા પાણીના ધોધ, સામે સમુદ્ર, વચ્ચે આ ધોળાં દ્હેરા અને આ પાસ સુભદ્રામાં ચોપાસથી ભરાતું ઉભરાતું અનહદ પૂર ! ! અને આ સર્વની વચ્ચે વણકરના તાણાવાણા જેવી વરસાદની વૃષ્ટિ !! ધોળા રેશમના ઢગલા જેવાં વાદળાં તો આપણા પડખામાં આવી ચાલે, વૃષ્ટિ તો આપણી આસપાસથી દોરડા પેઠે ટીંગળાવા માંડે, અને પાણીના ધોધ – નારાયણના નખમાંથી ગંગાજી નીકળ્યાં એમ – આપણા પગમાંથી નીકળતા દેખાય !! વાહ! વાહ! વાહ! શી સુન્દરગિરિની ચાતુર્માસમાં શોભા ! તમે નક્કી સુન્દરગિરિના જ વાસી થાવ અને આ આનંદ અનુભવો ! એ શોભા કાંઈ ઓર જ થાય છે. એ જુવે નહી તેનું જીવ્યું ફોક !”

રાધેદાસે વર્તમાન ચિત્ર સાથે આમ ભવિષ્ય ચિત્રનું મિશ્રણ કર્યું; દૃષ્ટિ આગળ અદ્ભુત દેખાવ તરતો હતો તેમાં કલ્પનાશક્તિ આગળ બીજો દેખાવ ખડો થયો. ન્હાનું બાળક રોતાં રોતાં રમકડું જોઈ રહી જાય છે; મ્હોટું માણસ અત્યંત વિપત્તિને અવસર પણ સૃષ્ટિની ભવ્યતા જોઈ સતબ્ધ થાય છે, ચિત્ત સ્તબ્ધ થતાં આંસુમાં અંતરાય પડે છે, અને નવા આનંદ