પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫

હતી કે માતાજી સુવે, બેસે, કે ફરે ત્યાં બે ચાર દાસીઓએ એમની પાસે ર્‌હેવું અને પાછળ ફરવું, એમને સુનાં મુકવાં નહીં, એમનું મન પ્રસન્ન રાખવું, અને શરીર સાચવવું. છતાં નિત્ય પોતાની પાસે અને પોતાની પાછળ માણસોની ચોકી જોઈ એકલી પડવા ન પામતી મેના કોઈ વાર અકળાતી અને દાસીઓને દૂર ક્‌હાડી મુકતી. આજે એ સઉને આઘાં ક્‌હાડી પતિ પાછળના ક્યારામાં સિંચતાં સિંચતાં પતિના વિચારથી આ દશા પામી હતી. પવિત્ર તુળસીક્યારાના આધારે નિશ્ચિત ટકેલા સ્થૂલ દેહના મસ્તિકમાં કારણદેહ સચેત થઈ પ્રચંડ મલ્લરાજની ઉભેલી પ્રતિમાનું દર્શન કરતો હતો અને ત્યાંથી તે પ્રતિમાને ન ખસવા દેવાના હેતુથી સ્થૂલ નેત્રનાં પોપચાંને ઉઘડવા દેતો ન હતો. રાણીની ગાત્રયષ્ટિ યષ્ટિ જેવી થઈ ગઈ હતી. તેનો જેટલો દેહ વસ્ત્ર બહાર દેખાતો હતો ત્યાં ચર્મથી ઢંકાયલાં હાડકાં ગણાય તેવાં જ દેખાતાં હતાં, તેના ઓઠ રાત્રિદિવસના નિ:શ્વાસથી કરમાઈ ગયા હતા અને તેનો રંગ સુકાયલો ફીક્કો બની ગયો હતો. એના આખા મ્હોં પર પીળો રંગ અને કરચલીયોવાળી ચામડી જોનારની આંખમાં આંસુ આણતાં હતાં. ગાલ બેસી ગયા હતા અને ચાલી જઈ સુકાયલી આંસુની ધારાઓના ડાઘ ચળકતા હતા અને હજી સુધી ચાલતી ધારાઓનું વ્હેતું પાણી મોતીના હાર રચતું ટપકતું હતું.

ક્‌હાડી મુકેલી દાસીઓ, જતાં ર્‌હેવાની આજ્ઞા પાળી, પાસેના ઝાડ પાછળ સંતાઈ રહી હતી તે રાજવિધવાની આ અવસ્થા જોતાં આગળ આવી. વાડીમાં હરતાં ફરતાં મેના આ સ્થિતિ ઘણીવાર પામતી અને આ પતિયોગને કાળે એ યોગ તોડાવવા અને આ મિથ્યાસંસારનું ભાન આણવા કોઈએ પ્રયત્ન કરવો નહીં એવી એની આજ્ઞા હતી એટલે કોઈ એને મૂર્છામાંથી જગાડતું નહીં, પણ શિવકીર્તનને નિમિત્તે પતિજપ જેવાં કીર્તન રચી વિધવા જાગૃત દશાના દુર્ગમ અવકાશમાં કાલક્ષેપ કરતી, અને વૈધવ્યને લીધે પોતે તો ઉચ્ચ સ્વરથી ગાવું તજેલું હતું પણ દાસીઓની પાસે ગવડાવી સાંભળતી હતી. કમળાવતીની આજ્ઞાથી મેનાની મૂર્છાના સમયે દાસીઓ આ કીર્તનો ગાતી, મેનાના પોતાના તંબુરામાં ઉતારતી, અને ત્યાંથી તે મેનાના કર્ણમાં અને હૃદયમાં જતાં, અને એ નિમિત્તે પાસે રહી દાસીઓ મેનાનું શરીર પૃથ્વીપર પડી જાય નહી તેની સંભાળ રાખતી.

ગુણસુંદરી, સુંદરગૌરી, અને કુસુમને મૌન રાખવા અને એક