પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬

સ્થાને ઉભા ર્‌હેવાની નિઃશબ્દસંજ્ઞા કરી એક દાસી તેમની પાસે ગઈ. બીજી દાસીઓમાંની એક મેનાની પાસે ઉભી રહી, તુળસીક્યારાની પડઘી ઉપર પગ રાખી, ઝંઘા ઉપર અને ક્યારાની બાજુએ તંબુરો ગોઠવી, અત્યંત ઝીણે સ્વરે ગાવા લાગી અને ગાયેલું તંબુરામાં અને મેનાના કાનમાં ઉતારવા લાગી:

“જગતને ક્‌હેજો રે હરિ હર એક જ છે,
“વૈકુંઠ વસે તે રે કૈલાસની માંહ્ય જ છે ! જગતને૦
“બ્રહ્માહરિહર એક પુરુષ છે !
“એક જ સર્વે શક્તિ રે !
“પામર જન દેખે છે ભેદ જ,
“ એક જ સઉની ભક્તિ રે. જગતને૦
“એક સ્વરૂપને ભિન્ન ગણે તે
“નરકતણો અધિકારી રે;
“એક ગણી સઉ એ દૈવત, અમે
“ ઇષ્ટ છબી સ્વીકારી રે. જગતને૦
“રત્નપુરીના રાજભવનમાં
“શંકરની છવિ ઈષ્ટ જ છે;
“યુદ્ધશ્મશાનતણા અભિલાષી
“ શિવભક્તિથી બલિષ્ટ જ છે. જગતને૦
“શિવ વિષ્ણુ શક્તિ પર સરખી
“મલ્લરાજની ભક્તિ હતી;
“રંક ભીખારણ ને રાણી પર
“એક જ એમની આણ હતી ! જગતને૦
“એક જ આજ્ઞા, એક જ દૃષ્ટિ;
“એક જ ભક્તિ, સર્વ સ્થળે
“રાજયોગી રચી ચાલી ગયા; પણ
“ઈષ્ટ છબી પાછળ રવડે. જગતને૦
“સર્વ દેવને એક જ ગણતા
“રાજયોગી એ ચાલી ગયા;
“ઈષ્ટ શંભુની છવિને ચરણે
“મેનાની છવિ સોંપી ગયા ! જગતને૦