પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭


જેમ જેમ પાછલો ભાગ ગવાતો ગયો તેમ તેમ મેના કંઈક હાલતી ગઈ; છેલ્લું ચરણ ગવાયું તેની સાથે કંઈક આંખ ઉઘડી પણ પાછી મીંચાઈ ગઈ એટલામાં કમલાવતી આવી, સર્વે વાત છાનીમાની સાંભળી અને જાણી, અને તંબુરો પોતાના હાથમાં લઈ જાતે કીર્તન આરંભ્યું, અને વચ્ચે વચ્ચે દાસીઓ તેમાં પોતાના સ્વર ભેળવવા લાગી.

“શંકરની મૂર્તિ મનોહરી નિરાકાર ને સાકાર રે- શંકરની૦
“શંકર સાકાર વ્યાપે વિશ્વમાં, સ્થાણુ અચલ ક્‌હેવાયરે, શંક૦
“મહાદેવ શ્મશાનમાં સદા વસે જોતા સૃષ્ટિસંહાર રે; શંક૦
“ભોળા દેવ લીલુંસુકું ન દેખતા, કરતા વિજયાનું પાન રે ? શંક૦
“ફણાધારી ફુંકે વિષ વિશ્વમાં, પ્રભુને અંગે વીંટાય રે ! શંક૦
“સંહર્તા એ સંહારી નામ રૂપ સઉ નિરાકારમાં સમાય રે ! શંક૦
“સાકાર શંકરને તે પૂજતા મલ્લ મહારાજ સાકાર રે, શંક૦
“નિરાકાર શંકરમાં સમાઈ ગયા ! રહ્યો મેનાનો આકાર રે ! શંક૦

આ લીટી ગાતાં ગાતાં યુવતિ કમળાના ગૌર ગાલ પર આંસુ ઉભરાઈ ગયાં અને બાકીનો ભાગ રોતી રોતી ત્રુટતે સ્વરે ગાવા લાગી.

“સ્વામી શંકરરૂપ એ થયા ! થયો સંસાર શ્મશાન રે ! શંક૦”

કમલાવતીનું રોવું રહ્યું નહી – સર્વ રોવા લાગ્યાં, રોતાં રોતાં પણ રાણી ગાવા લાગી.

“એ રે શ્મશાને મેના એકલી પ્રભુના પરજીયા જ ગાય રે ! શંક૦”

છેલ્લી ચાર લીટીઓ રાણીએ ફરી ગાઈ અને ગાતે ગાતે રોતે રોતે હૃદય અવશ થતાં સાસુને પગે ઢળી પડી, તંબુરો પડ્યો, તાર ત્રુટવાના રણકારા થયા, અને એ ગાન, એ મર્મ, એ સ્વર, અને એ સ્પર્શથી વત્સલ મેના ચમકી, આંસુ બંધ કરતી કરતી જાગી, અને કમળાને બે હાથે ઉઠાડી એને ભેટી પડી. સાસુની છાતીમાં માથું સમાવતી બાળા બોલી.

“માતાજી, પિતાજી ગયા તેની પાછળ આપ રહ્યાં છો તો અમ બાળકોનું એટલું છત્ર છે. ભુલાય નહીં એવું મહાદુ:ખ અમ બાળકોને ઢાંકવામાં ક્ષણ વાર ભુલો ! જે મહારાજ ઈશ્વરરૂપ થયા તેનો આ ધરતી ઉપર આપ અવતાર છો ! પવિત્ર મલ્લેશ્વરનાં આપ અનન્યભક્ત છો ! તેમનું સાકાર સ્વરૂપ છો ! આ સંસારને શ્મશાન ગણી તેમાં ઉમામહેશ્વર પેઠે હજી આ૫ બે જણ છો જ ! તો અમો અને આ