પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮


વસ્તી સર્વ આપની રંક પ્રજા છે તેના સંસાર ઉપર અમીદ્રષ્ટિ રાખો અને તેમની ભક્તિને વશ થઈ પ્રભુનું અનુકરણ કરો !”

“કમળારાણી !” મેનાએ ઓઠ ઉઘાડ્યા.

“ના માજી ! હું આપની પ્રજા છું – મ્‍હારાં ઉપર પ્રીતિ હોય તો કમળા કહીને મને બોલાવો, અને મ્‍હારી સાથે કંઈક હસો, અને મને ને આ આપની પ્રજા છે તેને આજ્ઞાઓ અને આનંદ આપો ! માતાજી, આજ્ઞા ઉપાડવાના ભારમાં મને આનંદ થાય છે; પણ કોઈને માથે આજ્ઞા મુકતાં હું ધ્રુજું છું - એ ભાર ઉપાડવા મને મ્‍હારી અયોગ્યતા લાગે છે; માજી, આજ્ઞા ઉપાડનારને એક જ વિચાર છે ને આજ્ઞા કરનારને અનેક વિચાર છે; માટે આજ્ઞા કરવાની કઠણ વાતની લગામ હતી તેવી ને તેવી આપના પવિત્ર અને ચતુર હાથમાં રાખો. મને આ ભારમાંથી થોડા દિવસ છુટી રાખો, અને એ ભાર આપની પાસે રાખો તે જોઈ જોઈ ઉપાડતાં શીખીશ.”

સાસુનું દુ:ખ ભુલાવવા એને રાણીના અધિકાર ઉપર જ રાખવી અને એ અધિકારમાં એને કાળક્ષેપ થવા દેવો એ લોભની અભિલાષિણીએ ઉચ્ચકુળની ક્ષત્રિયાણીને સહ–જ પણ મહાન આગ્રહ આરંભ્યો.

જેમ કમલાવતીને સાસુને પ્રવૃત્તિમાં નાંખવાનો આરંભ હતો તેમ પતિ શબ્દમાં જ કેવળ નહીં પણ પતિની નીતિ અને મનોવૃત્તિમાં પરાયણ ર્‌હેવાની શક્તિવાળી અને પતિ પાછળ પણ પતિવ્રતા ર્‌હેનારી મેના આરંભેલા તપમાંથી ચળે એમ ન હતું. કમળાનું માથું ઉચું કરી બોલી.

“કમળા, તમે પતિવ્રતા છતાં મને આપણા છત્રરૂપનાં વચન તોડાવવા કેમ ઇચ્છો છો ? પણ ચાલો, આ ગુણસુંદરી આવેલાં છે તેમનો સત્કાર કરો.”

સઉ સજ્‌જ થઈ ગયાં, અને દુઃખની વાર્તાઓ મુકી વ્યવહારનો આચાર અારંભવા લાગ્યાં.

“ગુણસુંદરી, ચાલો મ્‍હારા આશ્રમમાં.”

એક પાસ મેના, જોડે ગુણસુંદરી, જોડે કમલાવતી, તેની આંગળીએ કુસુમ અને છેલી સુંદર, એમ એક હારમાં ઝાડો વચ્ચે ચાલ્યાં, અને પાછળ દાસીઓ ચાલી. રસ્તો સાંકડો આવે ત્યારે હાર ભંગાય અને પ્‍હોળો આવે ત્યારે સંધાય – એમ સર્વે ચાલ્યાં. ચાલતાં ચાલતાં મેના નિ:શ્વાસ મુકી બોલી.