પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧

"સામંતરાજની અવસ્થા જાણી મૂળરાજને તેડાવવા એમના ભાઈએ પત્ર લખ્યો છે.” ધીમે રહી કમળાવતી બોલી.

“જુવો, ઠકરાળાં ! મેઘની પાસે બે છાંટા માગતાં તમને તો શરમ આવી, પણ મેઘે તો વગર માગ્યે જ વર્ષવા માંડ્યું છે. મણિરાજે મૂળરાજને કાગળ લખ્યો અને બીજું શું કરશે તે જાણવું હોય તો તેમને પુછો.”

થોડીક વાર વિચારમાં પડી મેના બોલી: “બેટા કમળા ! - આ સંસારની વાતો ન કરવી એ મ્હારી પ્રતિજ્ઞા આજ તુટી. ઠકરાળાંની વાતોએ ઘડીક મ્હારા મન ઉપર સંસારનો રંગ ચ્હડાવ્યો અને હું મ્હારા ધર્મથી ભ્રષ્ટ થઈ. તમે હવે એટલી વ્યવસ્થા કરો કે ફરી મ્હારી પાસે કોઈ આવી વાતો ન ક્‌હાડે. ભોજન ઉપર બેસીએ તો ભુલમાં કોળીયો ભરાય.”

કમળા ઉત્તર આપે છે એટલામાં વૃદ્ધ થયલી મધુમક્ષિકા આવી અને ધીમે ધીમે બોલવા લાગી:

“માતાજી, હું દરવાજામાં આવતી હતી એટલામાં પ્રધાનજી મળ્યા અને મહારાજના તથા પ્રધાનજીના પોતાના સંદેશા આપને પ્હોંચાડવા મ્હારી જોડે મોકલ્યા છે.”

“સામંતરાજના શરીરની અંત્ય અવસ્થા પાસે આવતી જાય છે અને બેચાર ઘડીમાં એમને સન્નિપાત થશે એવું ભય છે, ઘડી ઘડી મહારાજનું નામ સંભારે છે ને બીજી કાંઈ વાત કરતા નથી. આ પળે એમની પાસે જવું આવશ્યક ધારી મહારાજ ત્યાં પધાર્યા છે અને આપની પાસે આવી શક્યા નથી.”

“મહારાજ અને પ્રધાનજી સામંતરાજને ત્યાં પધારતા હતા એટલામાં માર્ગમાં મૂળરાજને બંધમાં રાખી આવતા રક્ષક અધિકારીઓ સામા મળ્યા. આ રાજ્યમાં બ્હારવટે નીકળી કોઈનું ખુન કરવાનો તેમને માથે આરોપ હતો અને તેમના હાથમાં મરેલા માણસનું માથું હતું તેવે વખતે સુભદ્રાની પાસેનાં કોતરોમાંથી તેમને પકડ્યા હતા.”

“પણ એમને લાવનાર માણસો મળ્યાં તે પહેલાં માનચતુરભાઈની પાસેથી એક સ્વાર પ્રધાનજી ઉપર પત્ર લાવેલો હતો તેમાં કુમુદસુંદરીના સમાચાર હતા.”