પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩


બાવો – “ચંદ્રકાંતજી, આ તળાવની પેલી પાસ આકાશમાં અંધકાર જેવું દેખાય છે તે સુન્દરગિરિ નામનો રમણીય પર્વત છે, ત્યાં અમારા સાધુસંતોના આશ્રમ છે ત્યાં કોઈ વેળા પધારશો તો કલ્યાણ થશે. પણ રાજવૈભવ છોડી એકલા આવશો તો અધિક જોશો ને વિશેષ પામશો.”

“અલખ !” અલખની બુમ પાડી બાવો માર્ગે પડ્યો. સ્વાભાવિક રીતે ઈંગ્રેજી ભણેલાને આમાં કાંઈ વિચારવાનું ન હતું, પણ પુરુષને શોધ કરવા નીકળી પડેલાને વિચાર થયા.

“સરસ્વતીચંદ્ર એ પ્રદેશમાં કેમ ન ગયા હોય ? બ્હારવટીઆઓમાંથી છુટ્યા હોય તો એમનો એક માર્ગ મનોહરપુરીનો ને બીજો સુન્દરગિરિનો. કાલે વિદ્યાચતુરને ઘેર નકશો જોયો. સુભદ્રાના મુખ આગળ એ પર્વત છે. વિધાતાની સૂત્રધારતા વિચિત્ર છે. કુમુદસુંદરીને એણી પાસ તાણ્યાં છે – સરસ્વતીચંદ્રને પણ એ જ સૂત્રધારે એણી પાસે કેમ ન તાણ્યા હોય ? મિત્ર !

“परिणतिरमणीयाः प्रीतयस्त्त्वद्विधानाम्" ॥[૧]

તેના મુખ ઉપર ખેદ દેખાયો. “હવે ચંદ્ર અને કુમુદની પ્રીતિ શી ? એ પ્રીતિમાં જ પાપ અને એ પાપમાંથી છુટાવાને જ મ્હારો પ્રિય પવિત્ર ચંદ્ર કુમુદને અસ્પર્શ રાખી અદૃશ્ય સ્થળે ભ્રમણ કરે એ જ કલ્પના સંભવિત છે. સરસ્વતીચંદ્ર, તને ન્હાનપણમાંથી વૈરાગ્ય વ્હાલો હતો ને તે વ્હાલી વસ્તુના ઉપર ત્હારો કેટલો આગ્રહ છે તે હું જાણું છું. તો ત્હારે માથે અયોગ્ય આરોપ નહીં મુકું.”

થોડીક વાર શાંત થઈ સુન્દરગિરિની છાયા જોઈ રહ્યો અને તેને શિખરે આકાશમાં સૂર્યતેજે સળગતાં વાદળમાં સ્ત્રીપુરુષની છાયા જેવું લાગતાં તેને ચંદ્ર અને કુમુદ કલ્પી પગ ઠબકારતો ઠબકારતો ચંદ્રકાંત ગણગણવા લાગ્યો.. “ સરસ્વતીચંદ્ર ! તને ગમતી કવિતા અને તેમાં જ કલ્પેલાં સ્થાનમાં !

[૨] “The path by which that lovely twain,
“Have passed by cedar, pine, and yew,
“And each dark tree that ever grew,
“Is curtained out from heaven's wide blue.”

  1. ૧“ત્હારા જેવાઓના પ્રેમ પરિણામે રમણીય હેાય છે.” ભવભૂતિ.
  2. * Shelly's Prometheus Unbound.