પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫

અંદર આસનમાં સરસ્વતીચંદ્રની સુંદર હસતી છબી ! અતિ ઉમંગથી એ ઉઘાડેલી છબી વિદ્યાચતુરના હાથમાં પાછી સોંપી, વિદ્યાચતુરે એળખી અને પોલીસના માણસને પુછયું. –

“હવાલદાર, આ છબી અને વીંટી સરસ્વતીચંદ્રની, એ લાવનાર કોણ છે અને શું ક્‌હે છે?”

“પ્રધાનજી, અર્થદાસ નામના વાણીયા પાસેથી એ છબી નીકળી છે: અર્થદાસ ક્‌હે છે કે જંગલમાં એક નવીનચંદ્ર નામના માણસે તેને એ બક્ષીસ આપી છે. એ માણસની ભાળ આપનાર અને એને પકડી આપનાર આપણાં માણસ છે. પણ હીરાલાલ નામનો એક મુંબાઈનો વાણીયો છે તે ક્‌હે છે કે અર્થદાસે આ વીંટીના ધણીનું ખુન કરેલું છે.”

“એ હીરાલાલ કોણ છે ?”

“મુંબાઈમાં ધૂર્તલાલ શેઠ કરીને કોઈ છે તેનું માણસ છે, અને તે સરસ્વતીચંદ્રની શોધ કરવા આવેલો છે.”

“ધૂર્તલાલનું માણસ !” ચંદ્રકાંત ગાજી ઉઠ્યો અને પ્રધાનને ધૂર્તલાલનો ઈતિહાસ કહ્યો. -

“ચંદ્રકાંત, તમે આ પોલીસવાળે આણેલી ગાડીમાં બેસી આપણે ઘેર જાવ ને ઘેરથી ગાડી પાછી મોકલજો. હું એને લઈ તરત સામંતરાજને ઘેર જાઉ છું અને પછી આ નવા સમાચારનું મૂળ શોધવાનો માર્ગ લેઈશ.”

વિદ્યાચતુર માણસને લઈ પોતાની ગાડીમાં ગયો. એ માણસની ગાડીમાં ચંદ્રકાંત મંદ ઉપક્રમ કરી ચ્હડયો અને બેઠો, ગાડી ચાલી. પણ એનું મન ચકડોળે ચ્હડયું.

“હા ! શી વિધાતાની ગતિ છે ! દુષ્ટ ધૂર્તલાલ ! જેવો હું સરસ્વતીચંદ્રની પાછળ પડ્યો છું તેવો તું પણ એની જ પાછળ પડેલો છે. પણ જેવો મ્હારે - એને ઘેર આણવો છે તેવો ત્હારે એને ઘરબ્હાર રાખવો છે. હું જેવો એનો મિત્ર છું તેવો તું એને શત્રુ છે ! તું શું કરીશું તે સુઝતું નથી. સરસ્વતીચંદ્ર ! તું જીવે છે કે આ દુષ્ટોએ તને અને ત્હારી સાથે અમારી આશાઓને નષ્ટ કરી છે ?”

“આ કેવી અવસ્થા કે નથી પડતી આશા અને નથી પડતી નિરાશા ! "