પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

આ વાર્તા પડતી મુકવાના હેતુથી સરસ્વતીચંદ્રે આસપાસના દેખાવની વાત ક્‌હાડી.

"રાધેદાસ, આ છેટે નદી અને સમુદ્રનો સંગમ થાય છે એ નદીનું નામ શું ? અને એ નદી કયાંથી આવે છે ?”

“એ નદીનું નામ સુભદ્રા છે, સુભદ્રા એ ભદ્રાનદીની શાખા છે. ભદ્રા સુવર્ણપુર આગળ શ્રીરત્નાકર સાથે સંગમ પામે છે. સુભદ્રા આ પણે આગળ સુરગ્રામ પાસે સંગમ પામે છે.”

સરસ્વતીચંદ્ર શિલા ઉપરની શિલા ઉપર ઉભો થયો અને સુભદ્રા ઉપર પૂર્વથી પશ્ચિમ સુધી દ્રષ્ટિ નાંખવા લાગ્યો. સુભદ્રા દૃષ્ટિમર્યાદામાં લાંબી રેખા જેવી દેખાતી હતી, અને તીર ઉપરનાં ઝાડોની બે રેખાઓ વચ્ચે પાણીના શ્વેત પ્રવાહની રેખા – બે , ઓઠ વચ્ચે ઉઘાડા પડેલા દાંતની હાર જેવી – દેખાતી હતી તે જોઈ રહ્યો. જયાં પોતે લુંટાયો હતો તે સ્થળ એક બિન્દુ આગળ કલ્પવા લાગ્યો. દૃષ્ટિમર્યાદાની પેલી પાસ સંતાઈ રહેલા સુવર્ણપુરને કલ્પવા લાગ્યો. એ બે સ્થાન વચ્ચે તરવરતાં બ્હારવટીયાનાં ઝુંડ ને ઝુંડ કલ્પવા લાગ્યો. અંતે સુવર્ણપુરથી કુમુદસુંદરી નીકળતી હોય અને પોતે લુંટાયો હતો એ સ્થાને આવી બ્હારવટીયાઓના હાથમાં આવી પડતી હોય એવું ગભરાવી નાંખતું દિવસ–સ્વપ્ન એના મસ્તિકમાં ચમકારા કરવા લાગ્યું. આકાશમાં એક ન્હાની નાજુક વાદળી સમુદ્ર ભણી લીલાભરી ખેંચાતી હતી. કુમુદસુંદરી એ વાદળીમાંથી લટકતી દેવાંગના પેઠે આકાશમાર્ગે અદ્ધર ચાલતી લાગી. ગઈ કાલ ગાડામાંની ડોશી ગાતી હતી તે સંસ્કાર મનમાં સ્ફુર્યો. વાદળી છેક સમુદ્ર પાસે આવી બે હાથ પહોળા કરતી સ્ત્રી જેવી દેખાઈ. સૂર્યના તેજથી રંગેલી સાડી પ્હેરી કુમુદસુંદરી ઉભી ઉભી ભુરા આકાશમાં ફરફરતી વાદળીની કોર ઝાલી, લટકા કરતી ઉતાવળું ગાતી લાગીઃ–

“વાગે મોરલી મધુરી મધુવનમાં રે લોલ
“વ્હાલો દેખાય દેખાય જતાં ન્હાસતાં રે લોલ
“વ્હાલો કાલો થઈને કાપે કાળજાં રે લોલ
“કાળો લપ્પાય તમાલ તાડ ઝાડમાં રે લોલ
“ભોગી જોગી બનીને ભોગ ઝંખતો રે લોલ
“દેખાય દેખાય સંતાય ને છતો થતો રે લોલ.”

સરસ્વતીચંદ્ર ગભરાતો ગભરાતો કાન અને આંખ ઉંચા કરવા લાગ્યો. અંતે વાદળી સમુદ્રમાં પડતું મુકતી લાગી તેની સાથે એ જ સ્થાને કુમુદસુંદરી ઝંપલાવતી લાગી અને ઝંપલાવતાં ઝંપલાવતાં તેનાં મુખમાંથી નીકળતી