પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

કારમી ચીસ સરસ્વતીચંદ્રના હૃદયે સાંભળીઃ-“ હા ! સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! મુંબાઈથી મને છોડી નાઠા, સુવર્ણપુરથી પણ મને છોડી નાઠા, તે આ સ્ત્રીહત્યા તમારે શિર ! ! !” આમ બોલતી બોલતી કુમુદ સમુદ્રનાં પાણીની કાળી પ્હોળી લેખામાં અદૃશ્ય થઈ ગઈ. સ્ત્રીના હૃદયનો ઉંડો નિ:શ્વાસ, નિ:શ્વાસમાંથી નીકળતો ગુપ્ત શાપ, શાપની જ્વાળા – સર્વ સરસ્વતીચંદ્રના હૃદયને કંપાવવા, નષ્ટ કરવા, બાળવા, લાગ્યાં. અનેક તર્ક અને શોક એને વલોવવા લાગ્યાં. એની હૃદયચિતામાં કુમુદસુંદરીનાં અનેક સ્વરૂપ સતીઓ પેઠે ચારે પાસથી બળવા અને માળવા પ્રત્યક્ષ બેઠાં હોય એવું એને પ્રત્યક્ષ સ્વપ્ન થયું – એના નેત્રમાંથી ચોધાર આંસુ વ્હેવા લાગ્યાં અને સૂર્યનો તાપ એકવારના અશ્રુપ્રવાહને સુકવે ત્યાર પહેલાં બીજો પ્રવાહ નીકળતો હતો.

આઘે વિષ્ણુદાસના મઠમાં મહાન્ શંખનાદ થવા લાગ્યો અને રાધેદાસે સરસ્વતીચંદ્રને વિચારનિદ્રામાંથી જગાડ્યો. “ નવીનચંદ્રજી, ચાલો, ગુરુજીને મળવાનો સમય થયો.” રાધેદાસની દૃષ્ટિ સરસ્વતીચંદ્રના ગૌર શરીર ઉપર હતી – નેત્ર ઉપર ન હતી. બે જણ શિલા ઉપરથી ઉતર્યા એટલામાં રાધેદાસે વિચાર કર્યો, “ કોઈ ગર્ભશ્રીમંતનું દુ:ખી સંતાન છે – એની આકૃતિ અને એનો વર્ણ એનો પ્રભવ કહી આપે છે – આ સ્થળે આવી પડ્યો છે તે ઇતિહાસ એનું દુ:ખ જણાવે છે. એને મહાદુઃખ છે – શ્રીવિષ્ણુદાસ એનો ઉદ્ધાર કરશે. હરિજન વિના કોણ એ કરી શકે ?” મ્હોટે સ્વરે એણે ગાયું.

[૧]"હરદમ ઐસા હરિજન કોઈ
“તનકી અગન બુઝાવેગા ?
“પુરન પ્યાલા પીએ હરિયકા–
"ફેર જન્મ નહીં પાવેગા !” .

સરસ્વતીચંદ્ર ઉતર્યો. પણ ઉતરતાં ઉતરતાં યે એની કતરાતી દ્રષ્ટિ સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળના ખુણા આગળ હતી. નદીના પાણી ઉપર કુમુદસુંદરી ન્હાની અને સુંદર વિહાર-નૌકા ('જાલી–બોટ') પેઠે પવનની લ્હેરમાં વગરહલેસે તણાતી લાગતી હતી. એણી પાસ જોતો જોતો એ રાધેદાસની પાછળ ખેંચાયો અને ખેંચાતો ખેંચાતો ગઝલો ગણગણવા લાગ્યો:–


  1. * પ્રાચીન વાકય છે.