પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

“હું તો સ્હેજ કહું છું. તે એટલા સારું કે મને તો સરસ્વતીચંદ્રનો રજ વાંક વસતો નથી. અને જયારે બધું જાણીજોઈને નીકળ્યા છે ત્યારે તે એવા ચતુર પુરુષ કાંઈ વિચાર કરીને જ નીકળ્યા હશે. બ્હારવટીયાઓમાં હશે ત્હોયે એમની પાસેથી શું લુટવાનું હતું? મને તો લાગે છે કે એ પણ એમને મન જ થયું હશે.”

“એમાં તે મન શું થવાનું હતું ?”

“એ જ્યારે અમારે ઘેર આવ્યા હતા ત્યારે શેક્સપિયર વાંચતા હતા તેમાંની એક વાત એમણે મને કહી હતી. તેમાં વેરોનાનગરીનો ગૃહસ્થ વેલેંટાઈન ચોરલોકમાં ગયો ત્યારે ચોરનો સરદાર થઈ રહ્યો હતો. સરસ્વતીચંદ્રે પણ એમ કરવાનું કેમ ન ધાર્યું હોય ? એમાં પણ એક ગમત છે.”

“ચોરમાં ભળવું એ કાંઈ સારું ?”

“બ્હારવટીયા કાંઈ ચોર ક્‌હેવાય ?”

“ત્યારે બીજું શું ?”

“એ તો રાજાના સગા તે ન બને ત્યારે બ્હારવટું લે. રાજાઓ લ્હડે ત્યારે મારે તે કંઈ ખુન થાય ?” આ મુગ્ધ પણ બુદ્ધિશાળી વાર્તાથી ચંદ્રકાંતનું દુઃખ અર્ધું ઓછું થયું. વધારે બોલે છે એટલામાં બારણે હોંકારા થયા.

કુસુમે બારણે જોયું, મુખી ઘોડો દોડાવતો આવતો હતો અને જે મળે તેને વિજયસમાચાર ક્‌હેતો હતો, એટલે એના દોડતા ઘોડા પાછળ લોક દોડતા હતા અને આનંદના હોંકારા થતા હતા. થોડીવારમાં તો ગુણસુંદરી, ચંદ્રકાંત, અને સર્વ મંડળે આ સમાચાર વીગતવાર મુખીના મુખથી સાંભળી લીધા. પા કલાકમાં આનંદ પ્રવર્તી ગયો અને સર્વ સમાચાર જુના થઈ જતાં મુખી ચાલ્યો ગયો. હવે તો માત્ર માનચતુર અને કુમુદસુંદરીની વાટ જોવાના ઉમંગમાં અને આનંદભરી આતુરતામાં એક પળ એક જુગ જેવી લાગવા માંડી. એમ લાંબો થતો કાળ કેવી રીતે ગાળવો તે ન સુઝતાં ચંદ્રકાંત ઓસરીના ઓટલા ઉપર માર્ગમાં દ્રષ્ટિ નાંખતો ઉભો અને સ્ત્રીમંડળ ઉતારામાં પોતાના શયનખંડમાં જઈ બેઠું. થોડીવારમાં ગુણસુંદરી બોલી: “કુસુમ, ચાલ, એકલાં છીયે એટલામાં ભમરો ગાઈએ એટલે વખત જશે.”

સુંદર બોલીઃ “કુસુમ સારંગી વગાડે તો ગાવ.”