પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

એટલું ગાતાં ગાતાં તો કુસુમસુંદરીના પગ, હાથ, અને લલાટ વેગભર્યું નૃત્ય કરી ર્‌હેવા લાગ્યાં અને એ નૃત્યપ્રસંગે તે વર માગવા ગયેલી દેવકન્યા પાર્વતી-સન્મુખ મહાદેવીને પ્રસન્ન કરવા દિવ્ય નૃત્ય કરતી હોય, અથવા કાકી અને માની આરસ જેવી પ્રતિમાઓ પાસે ફુવારા પેઠે ઉછળી રહી હોય, એવી દેખાવા લાગી. આખરે આ તાનમાં સુંદરે હસી પડી ભંગ પાડ્યોઃ

“કુસુમ ! હવે તો બરોબર નાચી ? વાહ ! વાહ ! હવે તો ચંદ્રકાંતને બોલાવ ત્હારી ફજેતી જોવા ! ” સુંદરગૌરી ઉઠી અને સામેથી કુસુમને વળગી પડી અને વ્હાલથી એને ગાલે ચુંબન કરી, નીચી વળી, એના મ્હોં સામું જોઈ પુછવા લાગી.

“તને વળી આ કોણે શીખવ્યું અને ક્યાંથી આવડ્યું? બોલ, બોલ !”

કુસુમ સુંદરની છાતીમાં મ્હોં ઘાલી શરમાઈ થોડી વાર ઉભી રહી; પછી હળવે રહી આઘી ખસી ગુણસુંદરીની પાસે જઈ બેઠી અને નીચું જોઈ રહી. એના ગોરા ગાલે શરમના શેરડા પડી ગયા અને ગાલના મધ્ય ભાગમાં નારંગીનો રંગ ચળકવા લાગ્યો. ગુણસુંદરી એને વાંસે ધીમેથી હાથ ફેરવવા લાગી અને મલકતે મ્હોંયે બોલી.

“ કુસુમ, વારુ ક્‌હે જોઈએ, આ ક્યાં શીખી ?”

કંઈક હીમત આણી હજી નીચું જોતી કુસુમ બોલી :

“આટલું બધું પુછો છો તે શું કંઈ આમાં નીચું છે?”

“ના ના, ઉચું હશે !” સુંદર હસતી હસતી બોલી.

“જો નીચું હોય તો માલવિકા અને ઈરાવતી કેમ નૃત્યકળા શિખતાં હતાં ? પુછો ગુણીયલને !” વળી કંઈક વિચાર કરી સંભારી ક્‌હાડી બોલી: “વારુ જુવો, આ આપણી ગુજરાતીમાંએ સામળ ભટની વિદ્યાવિલાસિની નૃત્યકળા શીખી હતીસ્તો !”

“એ તો ઠીક, પણ તું ક્યાં શીખી?” ગુણસુંદરીએ પુછયું.

“મહારાજને આપણે ઘેર તેડ્યા હતા ત્યારે નૃત્ય કરાવ્યું હતું તે સઉએ ચકમાં રહી જોયું હતું તે ભુલી ગયાં હશો !” હવે કુસુમને ઉચું જોવાની હીંમત આવી.

"ઓ મ્હારા બાપરે ! તે, કુસુમ, તું એટલું એક વાર જોયાથી આટલું શીખી ગઈ ! મ્હારી કુમુદને તો આવો છંદ કંઈ વળગતો ન હતો !” સુંદર બોલી. કુસુમ ખીજવાયા જેવી દેખાઈ.