પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

સુંદરને આંખવડે ગુપ્ત અણસારો કરી ગુણસુંદરી બોલીઃ “એ તો જેમાં જેવી આવડ. પણ હું પુછું છું એટલા માટે કે તને આ કળા ગમતી હોય તો ત્હારા પિતાને કહી આમાં પણ કેળવણી આપનાર રાખીએ.”

પિતાનું નામ સાંભળી કુસુમ ગભરાઈ. કેળવણી આપનારનું નામ સાંભળી ચમકીઃ “ તે કોણ રાંડ નાયકા મને કેળવણી આપનાર હતી? “તમે પણ, ગુણીયલ, ઠીક છો !” રીસાઈને કુસુમ માનાથી પણ જરીક છેટે જઈ બેઠી.

“ત્યારે તું ક્‌હે તે કરીયે.”

“અમારે શીખવું હશે તો આટલું કોણ શીખવવા આવ્યું હતું ? ને વળી પિતાજીને જણવવું છે !”

“ત્યારે સાસરીયાંને જણવીશ?”

“હા, તે એવી વાતો નહી હોય જે પીયરીયાંએ ન જાણે ને સાસરીયાંએ ન જાણે ?”

“ત્યારે બીજું કોણ જાણે ? ત્હારો વર?” સુંદરે વીજળીની ત્વરાથી પુછયું.

કુસુમ ઉઠી, કાકીને બે ખભે હાથેલીએ વડે જરીક ચાંપ્યાં, અને ખંડ બ્હાર દોડી ગઈ એ દોડી બારણા બ્હાર નીકળતી હતી એટલામાં એની પાછળ હસતી હસતી સુંદર જરીક મ્હોટેથી બોલીઃ “એ તો એ જ! “ હા ! અમે સમજયાં ત્હારા મનનો ઉત્તર.” ગુણસુંદરી વિચારમાં પડી.

“કેમ, ભાભીજી, વિચારમાં પડ્યાં !” સુંદરે પુછયું.

“આ કુસુમ જુવે એટલું શીખે, સાંભળે એટલું સરત રાખે, ગમે એટલું બોલે અને ઝાલી ઝલાય નહીં. આપણા ઘરમાં તો ઠીક છે, પણ કોણ જાણે કોણ વર મળશે અને સાસરીયામાં એના આ ગુણ દોષરૂપ થશે અને એ દુ:ખી થશે. સાસરે તે આ પુતળું કેમ સમાશે ?”

“વારુ, એવા એવા વિચાર તે આજથી શા કરવા? સઉ સઉનું પ્રારબ્ધ સાથે બાંધી ફરે છે.”

“હવે કાંઈ વિચાર કરવાની વાર છે ? હવે તે ક્યાં સુધી આમ કુમારી રખાઈ? એનું કાઠું તો જુવો. રાત્રે નહી એટલી દ્‌હાડે અને દ્‌હાડે નહીં એટલી રાત્રે વધે છે ! મળસ્કું કેવું જોતા જોતામાં વધે ?” !

“હાસ્તો. મ્હારી કુમુદનાથી આટલી ન્હાની છે પણ એને તો ક્યાંયે ઢાંકી નાંખે એવી આ થઈ છે.” સુંદરને પણ કાંઈ વિચાર સુઝયા અને દેરાણીના પ્રવાહમાં ભળી ગઈ.