પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

વિદ્યાચતુરની બુદ્ધિએ ચોપાસ વિકસાવી વિસ્તારી હતી. વિદ્યાચતુર બ્રાહ્મણ હતો પણ એવું માનતો કે ક્ષાત્રઉદ્રેકનું[૧] રક્ષણ કરે એવું જીવન આ સમયમાં મૃગયાથી ર્‌હે એમ છે અને તેથી ન્હાનપણમાંથી એની સૂચનાને આધારે મલ્લરાજે મણિરાજની આશપાસ શૂરા રજપુતોનો કીલ્લો બાંધી મુક્યો હતો અને તેમના સંગમાં મણિરાજનું ક્ષાત્રતેજ દિવસે દિવસે પ્રદીપ્ત થવા પામ્યું હતું. વિદ્યાચતુરની આ સૂચના એને વીશે મલ્લરાજના મનમાં ઉચ્ચ અભિપ્રાય બંધાવનારી થઈ પડી હતી. કારણ “મ્હારા પુત્રને બ્રાહ્મણ - વાણીયો ન કરશો.” એ આજ્ઞાનું આ સૂચનાથી પાલન થયું હતું. છતાં વિદ્યાચતુરે પોતાનું બ્રાહ્મણત્વ ઢાંક્યું પણ ન હતું, રજપુતોના ગુણની સાથે તેમના દોષ પણ મણિરાજમાં આવી જાય નહી તેને વાસ્તે પોતે અત્યંત ખંત રાખતો. એટલું જ નહીં, પણ એની બ્રાહ્મણતા બાળક રાજપુત્રને હાસ્યાસ્પદ લાગે નહી અને તેથી એની બુદ્ધિ ઉપર બીજા વિષયમાં પણ અનાસ્થા થઈ જાય નહી એટલા માટે, આટલા ક્ષાત્ર વ્યસનનું મૂલ્ય એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના રાજપુત્રના મનમાં વધારવામાં પણ આ સૂચના સહાયભૂત થઈ પડી હતી. આથી બીજા રજપુતોને પણ આ બ્રાહ્મણમાં કાંઈ છિદ્ર ક્‌હાડવાની બારી ર્‌હેતી ન હતી, અને તેમને અને રાજકુમારનો સંગ રાખનાર ઉપર પ્રીતિ ર્‌હેતી. મૃગયાથી રાજકુમાર પાછો ફરે ત્યારે તે તરત વિદ્યાચતુરને મળે, મૃગયાનું વર્ણન કરે, અને પોતાના સહચારી રજપુત બાળકોની વાર્તાઓ તથા ચર્ચાઓ પણ વિશ્રામ્ભથી [૨] કહી જાય એવો વ્યવહાર રાખ્યો હતો. તે પ્રસંગનો લાભ લઈ એ બાળકોથી તેમ એ બાળકોમાં કંઈપણ અસદ્વિચાર અથવા સદાચારનું બીજ ઉત્પન્ન થતું હોય તે શોધી ક્‌હાડવાની; અને જડે તો તે બીજને બીજ દશામાં જ નાશ કરવાની, વિદ્યાચતુર ખંત રાખતો, અને એક રાજકુમારને ઠેકાણે અનેક રાજપુત્રોનાં બાળકોનો પોતે પ્રિય ગુરુ થઈ પડ્યો હતો. આ બાળકો ઘેર જઈ માબાપની પાસે રસથી વાતો કરે તેથી વર્તમાન રજપુત મંડળનો વિદ્યાચતુર માનીતો થયો હતો. બ્રાહ્મણ-ક્ષત્રિયનો હૃદય-ભેદ એની વાતમાં આથી દૂર થયો હતો. આ સર્વ સ્થિતિનો લાભ લેઈ મૃગયાના વ્યસનમાં રહેલું અમૃત રાખી વિદ્યાચતુરે તેમાંનું વિષ ઉતાર્યું. રાજાનો ધર્મ અને રાજાનું પરાક્રમ એ છે કે નિર્દોષ અને નિર્બળનું રક્ષણ કરવું અને દુષ્ટને શાસન કરવું. આ જ ન્યાય મનુષ્યપ્રજામાં તેમ પશુવર્ગમાં પ્રવર્તાવવાનો અભિલાષ મણિરાજમાં વધાર્યો, મૃગયા કરવી પણ મૃગ અને સસલાં જેવાં નિર્દોષ પ્રાણીનો ઘાત કરવાનો તિરસ્કાર અને સિંહ


  1. ૧. ક્ષાત્ર ઉદ્રેક = martial spirit; ક્ષત્રિયના શૌર્યનું ઉભરાતું પૂર.
  2. ૨. કંઈ વાત સામાની પાસે ક્‌હેતાં મન આંચકો ખાય નહી એવા વિશ્વાસ.