પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

વાઘ આદિ ક્રૂર પ્રાણીયોને નાશ કરવામાં આગ્રહ એ બેને માળી વિદ્યાચતુરે ચતુરાઈથી મણિરાજના ઉચ્ચ મૃગયાભિલાષરૂપ વેલાને ચ્હડવાના આધારવૃક્ષ કરી રાખ્યા હતા. આ અભિલાષ અમાંસાહારી વસ્તીનો પણ રક્ષક હતો અને રાજ્યનાં જંગલોને પણ રક્ષક થઈ પડ્યો હતો. ગ્રીષ્મ ઋતુના અનુકૂળ સમયમાં આ અભિલાષનો ધારક મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડેલો હતો, એક સિંહનો શીકાર જડી આવવાથી તેનું મન પ્રફુલ્લ થયું હતું, અને એટલામાં જ વસ્તીની ભાળ રાખવામાં જાગૃત રાજાને બ્હારવટીયાના સમાચાર મળવાથી તે અચીન્ત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચ્હડ્યો હતો. વૃક્ષ, પશુ અને મનુષ્યોનો મહારાજ પોતાના ન્હાનકડા ગામમાં પ્રાત:કાળમાં પધારતો જોઈ ગરીબ વસ્તી તેને સત્કાર દેવા અત્યારે તરવરવા લાગી.

ગુણસુંદરીએ તપાસ કરવા મોકલેલો એક સીપાઈ એટલામાં એની પાસે આવ્યો અને નીચો વળી બોલ્યો, “મહારાજ અને રાજપુત્રોની મંડળી મૃગયા કરવા ગયેલી તે આવે છે; ઘોડાઓ પાછળ ચાલે છે અને આગળ મહારાજ મંડળ સહિત પાળા ચાલે છે.”

ગુણસુંદરીએ કુસુમ સામું જોયું: “કુસુમ, આપણે અંહીયાં છીએ તે એમને ખબર પણ હોય.” હરિણીનું બચ્યું દોડે એમ કુસુમ ઘરમાં દોડી ગઈ ગુણસુંદરીએ ચંદ્રકાંત ભણી દૃષ્ટિ કરી. ચંદ્રકાંત યોગ્ય વસ્ત્રાદિ પ્હેરી બેઠો જોઈ એ દૃષ્ટિ પાછી ફરી. પ્રધાન પત્ની બોલીઃ “ચંદ્રકાંતભાઈ મહારાજ આપનો સાથ ઈચ્છે તો તેમને અનુકૂલ થવા તત્પર ર્‌હેજો.” સુંદરે ગુણસુંદરી સામું જોયું તેને ઉત્તર મળ્યો: “ મહારાજ આ ગામડામાં આવે છે પણ મૃગયામાંથી થાકેલા, તે બુદ્ધિવિનોદ શોધ્યા વિના ર્‌હેનાર નથી અને તમારા દીયરના વિદ્વાન અતિથિ જેવું વિનોદસ્થાન એમને અંહી ક્યાં મળવાનું હતું ? ચંદ્રકાંતભાઈ અત્રે છે તે કાંઈ એ જાણ્યા વિના ર્‌હેવાના હતા ?” ઉત્તર દેવાતાં પ્હેલાં પોતાનાં ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી, હાથમાં સોનારૂપાના ગંગાયમુનાની ભાતવાળા મ્હોટા થાળમાં શોભા અને સુગંધવાળા કુસુમનો કોણાકાર રાશિ લેઈ કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફુલની કોરવાળું સોનારૂપાના તારાથી ભરેલું ભુરું રેશમી હીરણું પ્રાતઃકાળની કુલવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની સૂક્ષ્મ લ્હેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણીયાની દેખાતી એક પાસ વળેલી કરચલીયો, પ્રભાતના પૂર્વાકાશમાં દેખાતી સૂર્યપ્રભાની રેખાઓ પેઠે, જોનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે ન્હાનાં નૂપુર સૂક્ષ્મ રણકાર કરી એની ગતિ સૂચવતાં હતાં. એની કેડ વાંકી ર્‌હેલી મોતી અને રંગીન મણિની