પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬

ભરેલી મેખલા[૧]ઈન્દ્રધનુષ્ય જેવી લાગતી હતી, અને એ નવી જાતનો અલંકાર સંસ્કૃત પુસ્તકોમાં સ્ત્રીયોનું વર્ણન વાંચી એણે કાકીદ્વારા મા પાસે માગી કરાવ્યો હતો. બાકી હાથે, કંઠે, કાને, અને ચિબુકે કેવળ સ્વચ્છ શ્વેત હીરાના અલંકાર પહેરી પ્રધાનકન્યા માતા પાસે આવી ઉભી ત્યાં બારણે કોલાહલ થવા લાગ્યો. સર્વ ઉભાં થયાં. ગુણસુંદરી ચંદ્રકાંતને ફહેવા લાગી.

“ચંદ્રકાંતભાઈ તયાર થાવ. મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથીયાં ઉપર ઉભા રહો.” ચંદ્રકાંતને તેમ કરવું સકારણ લાગ્યું અને પ્રધાનપત્નીની સૂચનાને અનુસર્યો.

ગુણસુંદરીની ઓસરી બ્‍હાર લોકની ઠઠ વધી, વધતી ગઈ. કોલાહલ વધ્યો અને અચીન્ત્યો શાંત થઈ ગયો. “ પધારો ! પધારો !” “અમર તપો !” ઈત્યાદિ બુમ આઘે સંભળાતી બંધ થઈ પાસે સંભળાવા લાગી. લોકની ઠઠના બે ભાગ થઈ ગયા. રસ્તાની બે પાસ લોક ઉભા રહ્યા અને પર્વતો વચ્ચે ખીણ હોય તેમ લોકની વચ્ચે માર્ગ થઈ ગયો. થોડી વારમાં મણિરાજને દેવાતા સ્વાગત-ધ્વનિ ઓસરી આગળ ઉઠી રહ્યા અને મહારાજ મણિરાજ પોતાના મંડળ સમેત આવતા દેખાયા.

સર્વ મંડળ પગે ચાલતું હતું, અને ઘોડાવાળા ઘોડાઓને પાછળ દોરતા હતા, તેમની પાછળ બે ગાડાં ઢાંકેલાં ધીમે ધીમે ચાલતાં હતાં અને તેની આશપાસ કાળા પણ બળવાન ઉઘાડાં અંગવાળા ભીલો તીરકામઠાં લઈ ગુપચુપ ચાલતા હતા.

સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત


  1. કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.