પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.

મણિરાજના શરીરને તેની માતાએ રંગ અને કાન્તિ આપ્યાં હતાં, અને પિતાએ બાંધો અને બળ આપ્યાં હતાં. એનો વર્ણ શુદ્ધ કનકગૌર હતો, પણ ક્ષત્રિયશૌર્યની લોહીની તપાયલા કનકના જેવી રતાશ એ ગૌરતામાં સ્પષ્ટ દેખાતી હતી. એના મુખની કાન્તિ કોમળ અને સુંદર હતી; છતાં, રાજપ્રતાપનો તાપ તે ઉપર એટલો બધો હતો કે એનું પદ ન જાણનાર માણસ પણ એની સાથે વાત કરતાં ડબાઈ જતું અને એને માન આપતું. આજ રજવાડામાં કેટલેક સ્થાને પિતાપુત્રભાવનો સંદેહ ગુપ્તપણે કે પ્રકટપણે હોય છે, પણ જે વૃદ્ધોએ યુવાન મલ્લરાજના ગુણ અને આકાર