પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
3૯

રાજાનું અભિમાન આવતું. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે ત્યાર પ્‍હેલાં તો એને જોઈ, એનું અભિમાન આણી, કંઈ કંઈ લોક એનો રસ્તો રોકનાર મળ્યા. ચારણ અથવા એવી જ કોઈ વર્ણની, કાળી પણ બળવાળી, કદ્રુપી પણ ઉંચી અને અાંખમાં રાજભક્તિથી ભરેલી, ચારેક મનહરપુરીની સ્ત્રીયો, ભીંડમાંથી આગળ નીકળી આવી, મણિરાજના સામી ઉભી રહી, હાથ ઉંચા કરી, ઓવારણાં લેતી, મ્‍હોટે પણ વીરસ્વરે ગાવા લાગી અને તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી.

“પધારો ! પધારો રે ! મહારાજ મણિરાજ રે !
“મહારાજ મણિરાજ ! ( ધ્રુવ )
“મ્‍હોડે મુંછ ઉગે હજી રે, પણ સાવજનું બાળ !
“મૃગયા રમવા ચ્‍હડતો ત્યારે જાણે જ એ જમરાજ રે !
મહા‌‌૦ ૧.
“ધરતી બધી ધ્રુજતી રે એવો ચરણનો ધબકાર,
“સાવજ પેઠે પગલું ભરે ત્યાં સાવજ ભાગી જાય રે !
મહl o ૨
“જાળવે મલ્લરાજની ગાદી મલ્લ મણિરાજ,
“જીવજો ! જીવજો ! - એમ કરે વસ્તી બધી પુકાર રે !
મહા૦ ૩
“જીવજો ! જીવજો ! જીવજો ! જીવજો ! કરે પવન પુકાર રે ! !
મહા૦ ૪

સ્ત્રીયો ગાતી જાય, ઓવારણાં લેતી જાય, અને આંગળીના ટચાકા ફોડતી જાય. ગાઈ રહી કે આશીર્વાદ દેઈ સ્ત્રીયો રસ્તાની એક પાસ પાછી હઠી ખસી ગઈ અને મહારાજને માર્ગ આપ્યો.

“ભૈરવી ! ત્હારી આશિષ મને પ્‍હોંચી ગઈ. ક્‌હે ત્‍હારા છોકરા ખુશીમાં છે?” મહારાજના મુખમાંથી સ્વર નીકળતામાં સ્ત્રીના પુત્રોનું ટોળું પાછળથી આગળ આવ્યું, અને ભૈરવીનો પુત્ર પૃથ્વી ઉપર નીચો પડી સલામો કરતો બોલ્યોઃ

“મહારાજ, જેના રાજ્યમાં સસલાં અને હરણસરખાં ખુશીમાં ફરે છે તેને ત્યાં ભૈરવીના દીકરા ખુશીમાં હોય એમાં તો પુછવું શું ? - આ મ્‍હારા ભાઈઓ.” સર્વે પ્રણામ કરવા લાગ્યા.