પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦

“કેમ બાપુ, તમારો હાલનો તલાટી કેવો છે ?” મણિરાજે પુછ્યું.

“વાહ, મહારાજ, આપે અમારે સારું ચિંતા કરી ત્યાં શું ક્‌હેવું ? એ તલાટીને નિત્ય અહીયાં જ રાખજો.”

ભૈરવી આગળ આવી બોલી: “દીકરા, હજી તને બરોબર બોલતાં ન આવડ્યું; એમ ક્‌હે કે આવા તલાટી અમને નિત્ય આપજો એટલે તલાટીના ગુણ પણ ગવાય અને એનું આગળ ઉપર કલ્યાણ કરવાની ભલામણ પણ થાય. એ તલાટી આવો ભલો ને ચતુર છે તેને અહીંયાં જન્મારો રાખે તો એ નોકરીમાં વધે ક્યારે ?” પુત્રને આવી રીતે ઠપકો દેતી ભૈરવીને સાંભળી મણિરાજને કાંઈક સ્મિત થયું તે જોઈ ભૈરવી અચકીઃ “મહારાજ, કૃપા કરો. અમો ગામડીયાનાં બાળક આવું ગાંડુંઘેલું જ બોલે, પણ આપના રાજ્યમાં અમારે બહુ સંભાળ રાખવી પડે છે. કોઈ અમલદારનું જરાક ઘસાતું અમારે મ્હોંયેથી બોલાય છે એટલે તરત આપ રોગ પરખવા પાકી તપાસ કરો છો અને અમારાં વચનમાં સત્ય જણાય તો આપના ગમે તેવા વ્‍હાલા અમલદારને પણ શિક્ષા કરતાં ૨જ વાર લગાડતા નથી. ત્યારે એવા રાજ્યમાં કોઈનું જરીક વાંકું બોલતાં વિચાર કરી, સો ગળણે ગળી પાણી પીયે નહી તો બોલતાં બોલતાં પાપ લાગે.”

“ ત્યારે, ભૈરવી, કેવું રાજ્ય હોય તો તને ગમે ?” મણિરાજે હસીને પુછયું.

ભૈરવી અકળાઈને બોલીઃ “મહારાજ, જુવો, વળી આ મ્હારાથી બોલતાં ભુલ થઈ મહારાજ, રાજ્ય તો છે એવું ને એવું જ રાખજો, પણ અમારે લીધે કોઈને શિક્ષા કરો તે અમને તેનો નીસાસો લાગે, અને તમારી પાસે બોલાઈ જતાં વધારે ઓછું બોલતાં તમે ખરી વાત જાણી જાવ છો !”

“ત્યારે ત્હારે મ્‍હારી પાસે ખરું બોલવાનું નહીં ?”

“ ના બાપજી, જો જો પાછો એવો અર્થ લેતા. આપનાં તો અમે છોરુ, તે આપની પાસે સાચું બોલીયે તે તો શી નવાઈ? – પણ આપનાથી તો કાંઈ સંતાડવું પણ ન જોઈએ, પણ અમલદારોની તલાસ કરી તેને શિક્ષા કરતાં દયા રાખજો, આપના શીકાર કરતાં આપના અમલદાર ગયા?”