પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

ભૈરવી મણિરાજને પગે પડી અને ઉઠી ખસી ગઈ. મણિરાજ ચાલવાનું કરે છે ત્યાં આ સઉ જોઈ રહ્યો હતો એવો એક લંગોટીયો ગોસાંઈ હાથ ઉંચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યોઃ

“દેખો, મહારાજ, રાજકી પાસ રિક્તપાણિ નહીં જાના ઐસા શાસ્ત્રકા બચન હય, ઓર આપને તો હુકમ કીયા હય કે અમારી પાસ કીસીને નજરાણા કરના નહી તો ફીર ક્યા કરે? એક પાસસે શાસ્ત્ર કા ઉલંઘન હોવે ઔર દુસરી પાસસે રાજાકા આજ્ઞાભંગ હો જાવે તો પીછે આપકી પાસ આને મેં બડા સંકટ પ્રાપ્ત હો જાતા હય.”-

મણિરાજને હસવું આવ્યું અને બોલ્યો: “સાધુદાસજી, આપકુ તો હમ ભેટ કરે ઔર ગોસાંઈકી પાસસે તો માત્ર આશીર્વાદ લેનેકા મેરેકું અધિકાર હય.”

“અચ્છા, મહારાજ. લેકીન ઈતના ગોપીચંદનકા તો સ્વીકાર કરના ચઈએ. શ્રી ઠાકોરજીછી પ્રસાદી હય ઔર રિક્તપાણિ આના નહી ઉસ લીયે હમને આશીર્વચન અબ ગુજરાતી કબીતમે તયાર કીયા હૈ સો લે લો.”

“બોલો, સાધુદાસ.”

ઉંચો, લંગોટી વગર કોઈપણ વસ્ત્ર વગરનો, આખે શરીરે ગોપીચંદન ચોળી ઉભેલો, ગોસાંઈ તરતી નસોવાળા ઉંચા હાથ કરી બોલવા લાગ્યોઃ

“શૂર ખરો ને ખરી દયા, મહારાજ મણિરાજ !
“શરણ સંતના ! જોઈ તને થરથર દુષ્ટ-સમાજ !
“પ્રીતિ ખરી ને ભય ખરું! મહારાજ મણિરાજ !
“સજ્જનવત્સલ નામ શુણી, થરથર દુષ્ટસમાજ !
“થરથર દુષ્ટસમાજ નામ શુણતામાં થાતા !
“ધરી આશા દેઈ આશિષ સંત અંતર મલકાતા.
“તે આશિષને આશરે મણિરાજરાજ્ય જુગ જુગ તપો !
“ચતુર ચતુર તુજ સારથિ રથ તુજ લેઈ રણમાં ધપો.”

રામચંદ્ર આગળ સામળ કવિએ વાનર અંગદ પાસે કવિત બોલાવ્યાં છે એમ મણિરાજ પાસે ગોસાંઈ આ કવિત ગાઈ રહ્યો ત્યાં એની દૃષ્ટિમાં એમ લાગ્યું કે મ્હારી પાછળ કોઈ ઉભું રહ્યું છે તેના ઉપર મહારાજ દૃષ્ટિ કરી રહ્યા છે. ગોસાંઈ પાછળ જુવે છે તો ફુલનો થાળ હાથમાં લઈ બાળક કુસુમસુંદરી સીપાઇઓ સાથે ઉભી રહેલી અને જોડે ચંદ્રકાંત ઉભેલો. પ્રધાનકન્યા ક્યારની આમ ઉભી હતી તેનું ભાન થતાં ગોસાંઈ શરમાયો અને આઘો ખસી જઈ બોલ્યો; “કુસુમબ્હેન, આગળ આવો, મહારાજને પુષ્પે વધાવો.”