પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪


“કુમુદસુંદરીનું અમંગળ ગયું જાણી ગુણસુંદરીબાને અતુલ આનંદ થયો હશે અને મ્હારા ઉપર પણ હું ન્હાનો હતો ત્યારથી મ્હારાં માતુ:શ્રી જેટલી પ્રીતિ રાખે છે. કુસુમબ્હેન, ગુણસુંદરીબાને ક્‌હેજો કે પ્રધાનજી પણ થોડીવારમાં આવશે. ક્‌હો, પણ આટલી વાર સુધી છેક પાછળ કેમ ઉભાં રહ્યાં હતાં ?”

કુસુમ મ્હોં મલકાવી બોલીઃ “મહારાજ, પિતાજીએ એક પ્રસંગે વાત કહી હતી કે આપને મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મપિતામહે કરેલા ઉપદેશ અતિ પ્રિય છે, અને તેમાંનું એક વાક્ય તો આપને પ્રિયતમ છે તે વાકય મને સાંભરી આવ્યું, અને તે વાક્યનો ઉપદેશ પાળતા આપને જોવાનું મને મન થયું, અને તેની સાથે એમ પણ વિચાર થયો કે એ આજ્ઞા મહારાજ પાળતા હોય તેવે પ્રસંગે વચ્ચે આવવાથી આપની આજ્ઞાનો ભંગ જેવું થાય.”

“એમ ? એ કીયું વાક્ય ? બોલ જોઈએ !” મણિરાજે આતુરતાથી પુછયું.

આ રમ્ય વિનોદ-નાટકમાં પાત્રો પર સર્વ મંડળ આતુરતાથી દૃષ્ટિ કરી રહ્યું, સર્વ લોક સ્તબ્ધ થઈ એક ટશે જોઈ રહ્યા. ઓસરીના ઓટલા ઉપરના ચકામાંથી ગુણસુંદરી અને સુંદરગૌરી, અમૃતપાન કરવાનો પ્રસંગ હોય તેમ, પુત્રીના મુખ સામી પ્રિયદ્રષ્ટિ ભરવા લાગ્યાં. ચંદ્રકાંત મનમાં અકળાયોઃ “ઓ સરસ્વતીચંદ્ર, ત્હારું ભાગ્ય ક્યાં ફુટ્યું છે ? કોણ જાણે ક્યાં અત્યારે જાતે આથડે છે અને મને અથડાવે છે !- આ રત્ન જો તો ખરો ! - અરેરે ! પણ ત્હારે બ્રહ્મચારી ર્‌હેવું છે ને આને મીરાંબાઈ થવું છે ! એ જોગ ક્યાં ખાશે ! મ્હારી વકીલાત તમે બે જણે મળી વાંધામાં પાડી છે.”

મહારાજ પાસે વધારે બોલવા પ્રયત્ન કરતાં મુગ્ધ કન્યાના ગાલ ઉપર ગુલાબી રંગના શેરડા પડી ગયા, નયનકળી પળવાર મીંચાયા જેવી લાગી, અને અંતે પાંદડાંના અાચ્છાદનમાંથી અચીન્તી ફુલની કળીયો ફુટવા માંડે તેમ દંતકલિકાઓ દેખાઈ અને કુસુમ શ્લોક બોલીઃ

“पुत्रा इव पितृर्गेहे विषये मानवाः ।
“मिर्भया विचरिष्यन्ति स राजा राजसत्तमः ॥"*[૧]

“મહારાજ ! આપ જેવા પિતાની પાસે આપની પ્રજા આવી ઉભી ર્‌હે અને આપ તેને લાડ લડાવો એ સુંદર દેખાવ જોવાનું તે મને મન કેમ ન થાય ?”


  1. * પિતાના ઘરમાં પુત્રો ફરતા હોય તેમ જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય ફરે તે રાજા રાજાઓમાં શ્રેષ્ઠ.