પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫


મણિરાજનો અંતરાત્મા પ્રસન્ન થયો. કુસુમને રજા આપી ચંદ્રકાંતને સાથે લઈ તેની સાથે વાર્તાવિનોદ કરતો કરતો મહારાજ મણિરાજ ચાલ્યો અને માર્ગમાં ચંદ્રકાંતની સાથે શાંતિપર્વની સ્તુતિ કરવા લાગ્યોઃ “ચંદ્રકાંત, સત્ય પુછો તો આવા ગંભીર શબ્દમાં રાજાઓને ઉપદેશ કરેલો મ્હેં બીજે સ્થળે વાંચ્યો નથી. તમે તો ઘણાં પુસ્તક વાંચ્યાં હશે. તો ક્‌હો, રાજધર્મ અને રાજકાર્યનું તત્ત્વ આ શ્લોક કહું છું તેના જેવું બીજે ક્યાં છે ?”

"भवितव्यं सदा राज्ञा गर्भुणीसहधर्मिणा
"कारण्ं च महाराज शृणु येनेदमिष्यते ॥
"यथा हि गर्भिणी हित्वा स्वं प्रियं मनसोऽनुगम
"गर्भस्य हितमाध्यत्ते तथा राज्ञाप्यसम्शयम ॥
"वर्त्तितव्यं कुरुश्रेश्ठ सदा धर्मानुवर्तिना
"स्वं प्रियं तु परित्यज्य यद्यल्लोकहितं भव्वेत ॥* [૧]

“ મ્હારા શયનખંડમાં અને વ્યવહારખંડમાં સોનેરી અક્ષરે આ ! શ્લોક મ્હેં કોતરાવી રાખ્યા છે.”

આ વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદ્રશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદ્રશ્ય થયો. ગામને બીજે છેડે તંબુ તાણ્યા હતા ત્યાં સઉ ગયા. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઈ અને મા અને કાકીની પાસે ઉભી. કાકીને શ્રુંગાર–અલંકાર-ભરી ભત્રીજી વ્હાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરી કુસુમને બળથી છાતી સરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી દીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઈ રહી અને તેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી: “ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં આનંદ થઈ ગયો; શો આ બે જણને આનંદ થઈ ગયો છે ? ઈશ્વરની ગતિ ન્યારી છે.”


  1. *“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.