પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬


ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુ:ખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઉભી હોય, કુસુમરૂપ - આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સ્વારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મુક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઉતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મ્હોંયે કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર ક્‌હેવા લાગ્યા. સમાચાર ક્‌હેવાઈ ર્‌હેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભુકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દેઈ જડ થઈ ગઈ અને બોલ્યા ચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મ્હોં વાળવા લાગી: “ઓ મ્હારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો? ઓ બ્હેન – મ્હારી ઉછેરેલી - મ્હારી લડાવેલી – હું દુઃખીયારીની દીકરી ! આ દોહ્યલું તે કેમ વેઠાશે !” બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શ્રૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચીંત્યા દુઃખના ભાર નીચે શ્રૃંગારસમેત ડબાઈ. માની પાસે - માની સામે – બેસી પડી – માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી ક્‌હેવા લાગી; “ગુણીયલ, તું કેમ આમ ઢીલી થઈ ગઈ? આપણે તો છત્રની છાયામાં છીયે તે કેમ ભુલી ગઈ? મહારાજને ક્‌હાવ તો ખરી. વડીલ બ્હેનને લીધા વગર નહીં આવે ! પિતાજી હમણાં આવશે. - અરેરે ! ત્હારું ધૈર્ય ગયું !” ઘરમાં પરિવારમાં પુછાપુછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઉઠી, ઓસરીબ્હાર જોવા લાગી, અને જુવે છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સ્વાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દુર દેખાયો, અને દેખાતામાં કુસુમ બુમ પાડી ઘરમાં ગઈ: “ગુણીયલ, ઉઠ, ઊઠ. બીજો એક સ્વાર વેગભર્યો આવે છે !” સ્વારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બારણે જોવા લાગ્યાં. સ્વાર આવ્યો, ઉતર્યો, અને અંદર આવ્યો.

“કુમુદબ્હેન ઉગરી?” કુસુમે આગળ દોડી પ્રથમ પુછયું.

સ્વાર દીન મુખે બોલ્યો: “ ઈશ્વર કરે તે ખરું. ગુણસુંદરીબા, બ્હારવટીયાઓમાંથી બ્હેન ઉગર્યાં ત્યારે નદીમાં તણાયાં. એમની ગાડીમાં આ એમની પોટલી હતી તે ગાડીવાને મોકલી છે. વડીલ અને બીજું મંડળ બ્હેનની પાછળ દોડ્યું છે તેની વાટ જોતો ઉભો છે."

ગુણસુંદરીને આંખમાં આંસુ માતાં ન હતાં. એણે પોટલી તો લીધી પણ રંક મુખ કરી સ્વારને પુછવા લાગી: “ભાઈ, કાંઈ પત્તો લાગે એમ