પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

જ પુત્રના દ્રવ્યમાંથી થાય છે એવું ભાન ગુમાનમાં અચીંત્યુ સ્ફુરવા લાગ્યું, અનેતે ભાન થતાં પોતાના ભાઈને પોતાનો શત્રુ ગણવા લાગી. આ નવા નેત્રથી જોનારી બ્હેન ભાઈની પ્રપંચ–યોજનાઓ સાંભળી સાંભળી હૃદયમાંથી તેનો તિરસ્કાર કરવા લાગી, અને સરસ્વતીચંદ્રના સંબંધમાં અનુભવેલી તેની કપટશક્તિ સંભારી એ કપટનો ભોગ થનાર પોતાના બાલક પુત્રના ભવિષ્યના સંબંધમાં ભાઈના ભયથી ગુમાન કંપવા લાગી અને ધીમે ધીમે સ્પષ્ટપણે ભાઈને દૂર કરવા ઈચ્છવા લાગી. આ ઈચ્છા સમજીને જ ધૂર્તલાલ લક્ષ્મીનંદન પાસે બ્હેનની અવગણના દેખાડી સરસ્વતીચંદ્રનો પક્ષ લેતો દેખાતો હતો અને તેમ કરી એક પાસથી શેઠનો વિશ્વાસ મેળવતો હતો અને બીજી પાસથી પોતાના પક્ષમાંથી દૂર થવા છાતી ચલવનારી બ્હેનને ડરાવતો હતો. આનું એક એ પણ પરિણામ થયું કે ભાઈની કપટબુદ્ધિમાં આ અભિમાનનો ઉમેરો જોઈ ગુમાનની વૈરવૃત્તિએ એનું સ્ત્રી-મસ્તિક ફેરવ્યું, અને એ શૂર–દશાએ એની સ્વાભાવિક બુદ્ધિને અગ્નિ પેઠે સચેત કરી સળગાવી. ગુમાનના હૃદયમાં પ્રતિજ્ઞા થઈ કે, 'ભાઈ હું પણ ત્હારી બ્હેન છું તે જોઈ લેજે.”

ભાઈની નાતમાંથી આવી રીતે એની બ્હેન દૂર રહી, અને બીજો દૂર ર્‌હેનાર હરિદાસ નામનો ગુમાસ્તો મળ્યો. હરિદાસ જાતે કુલીન, અનુભવી, અને પ્રામાણિક વાણીયો હતો. એ ઘણો જુનો નોકર હતો, અને સરસ્વતીચંદ્ર ઉપર પ્રીતિ રાખતો હતો. એનામાં એની જાતને સ્વાભાવિક રક્ષકબુદ્ધિ, ચતુરતા, મિષ્ટતા, અને ધીરાશ હતાં. ધૂર્તલાલ સાથે એણે દેખીતું વૈર ન કર્યું, પણ ધૂર્તલાલના વિશ્વાસુ મંડલમાંથી દૂર ન પડતાં એના પેચથી ભોમીયો રહી પોતાના સ્વામિનું પોતાના પેટમાં ગયેલું અન્નોદક સફળ કરી સ્વામિનો સ્વાર્થ જાળવવા અભિલાષ રાખતો હતો.

ધૂર્તલાલ આવી રીતે દેખીતો નિષ્કંટક ઉદય ભોગવતો હતો. પણ તેની સાથે આ સર્વ ચાર દિવસનું ચાંદરણું છે એવું એ પાકું સમજતો હતો, કારણ સરસ્વતીચંદ્ર પાછો આવે અથવા લક્ષ્મીનંદન જાતે કામ કરવાનું આરંભે કે તરત પોતાનો તારો અસ્ત થવાનો એમ ધૂર્તલાલના મનમાં રાત્રિ દિવસ ભય ર્‌હેતું હતું. આથી ચાંદરણાના દિવસ પુરા થાય અને અંધારી રાત પાછી આવે, તે પ્હેલાં બને એટલી ત્વરાથી દ્રવ્યવાન થઈ જવાનો એણે નિશ્ચય કર્યો હતો. એટલું જ નહી પણ આ ઉદયદિશા જેટલી લંબાય તેટલી લંબાવવાનો પણ એને નિશ્ચય હતો. આ ઉભય નિશ્ચયની પ્રેરણાથી એણે સત્કૃતદુષ્કૃતના સર્વે વિચારને એક પાસ ધક્કેલી