પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

કુમુદસુંદરીની મ્હોટી છવિ આગળ ઉભા. પાસે ગુમાસ્તો હરિદાસ અને ધૂર્તલાલ હતા. શેઠ ઘડીવાર છવિ જોઈ રહ્યા અને સામી પડેલી એક ખુરશી પર બેઠા. એની આંખમાં આંસુ ઉભરાવા માંડ્યાં : “હરિદાસ, આ મ્હારા ભાઈની વહુ ! ભાઈ જતા રહ્યા ને વહુ બીજે ઘેર પરણી ગઈ. બે રત્ન હાથમાંથી જતાં રહ્યાં. અરેરે ! મ્હેં મૂર્ખાઈ કરી ન હત તો આજ તો મ્હારે ઘેર નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ હત. પણ મ્હારું ભાગ્ય જ ફરી વળ્યું.” શેઠે હરિદાસને ખભે હાથ અને માથું નાંખી પોક મુકી. હરિદાસ શેઠનાં આંસુ લ્હોતો બોલ્યોઃ “શેઠજી, આપે હવે આ પરિતાપ કરવો છોડી દેવો જોઈએ છીએ. થવા કાળ આગળ તમે શું કરો ? ભાઈને શોધવામાં આપ કાંઈ બાકી રાખતા નથી. સોદો આપણે હાથ ને લાભ હરિને હાથ.”

ધૂર્તલાલ ધીમે રહીને બોલ્યોઃ “શેઠજી, મને બ્હીક લાગે છે કે આ ચિંતામાં આપનું ચિત્ત ખશી જશે. ખરી વાત છે. આવા પુત્રની પાછળ આપને જે ન થાય તે ઓછું. આપનાથી કામમાં જીવ રખાતો નથી અને એ જ પ્રમાણે આગળ ર્‌હેશે તો નુકસાન થશે. માટે મ્હારા મનમાં લાગે છે કે જ્યાંસુધી આપનો જીવ આટલો સ્વસ્થ છે એટલામાં કંઈક બંદોબસ્ત કરવો જોઈએ.”

શેઠ કાંઈક ચમક્યા. “શું હરિદાસ, મ્હારું ચિત્ત ખસે એમ તને લાગે છે ? ”

હરિદાસ ધૂર્તલાલના મુખવિકાર જોઈ રહ્યો હતો તે ધીમેથી બોલ્યોઃ “શેઠજી, મને તો લાગે છે કે આપ જાતે કામમાં જીવ રાખશો તો આ૫નું ચિત્ત કદી ખસવાનું નથી. બાકી તો ધૂર્તલાલ શેઠ શો બંદોબસ્ત કરવા ધારે છે તે જાણ્યા પછી સુઝે.”

ધૂર્તલાલને આ ઉત્તર બહુ ઠીક લાગ્યો નહી. હરિદાસ ગમે તો મૂર્ખ છે કે ગમે તો મ્હારાથી વિરુદ્ધ છે એવી શંકા થઈ તેના સામું જોઈ રહી અંતે ઉત્તર દીધો; “શેઠજી, જેમ મ્હારા ભાણેજનો મ્હારે સ્વાર્થ છે તેમ સરસવતીચંદ્રભાઈના સ્વાર્થનો વિચાર ન કરવો એવી બૈરકબુદ્ધિ પણ મ્હારાથી થઈ શકતી નથી તે આપને ખબર છે. એ બેનો સ્વાર્થ જળવાય એવી વ્યવસ્થા આપે વેળાસર કરવી યોગ્ય છે. પુત્રશોકથી આપનું ચિત્ત ભ્રમિત થઈ ગયા જેવું છે એ વાત આપને ન કહું તો આપનું ચિત્ત પ્રસન્ન રહે, પણ આપના કુટુંબનો સ્વાર્થ સરે નહીં. આપના સ્વાર્થવિરુદ્ધ વાત કરી આપના ચિત્તને ગમતી વાત કરવી એ ખુશામતનો ધંધો કરું