પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬

અને આપને લુણહરામી થાઉં એ યોગ્ય ન ક્‌હેવાય. મ્હારી ખાતરી છે કે આપનો જીવ કામમાં પરોવાઈ શકાય તેમ નથી અને હાલમાં કુતરું તાણે ગામ ભણી ને શીયાળ તાણે શીમ ભણી એવી આપનાં સર્વ કામની દશા છે તે જોઈ મ્હારું ચિત્ત બળે છે.”

“શો ઠગ !” હરિદાસ મનમાં બડબડ્યો.

“ધૂર્તલાલ ! તમે જ રસ્તો બતાવો તો મને સુઝે એમ છે, મ્હારી પોતાની બુદ્ધિ તો ભાઈની ઝંખના વિના કાંઈ દેખે એમ નથીઃ” શેઠ બોલ્યા.

ધૂર્તલાલ હાથ આવેલો પ્રસંગ મુકે એમ ન હતો. તે તરત બોલી ઉઠ્યોઃ “હું પણ એથી જ કહું છું. મ્હેં તો વિચાર ક્યારનો કરી મુક્યો છે. આપની બુદ્ધિ ઠેકાણે છે ત્યાંસુધીમાં એક એવો દસ્તાવેજ તૈયાર કરી રાખો કે ન કરે નારાયણ અને આપનું ચિત્ત ઠેકાણે ન રહે તો આપનું કામ આપના બે વિશ્વાસુ માણસો કુલમુખત્યારીથી કરે. તેમાંનો એક માણસ મ્હારા ભાણેજનો સ્વાર્થ જાળવે ને બીજો સરસ્વતીચંદ્રભાઈનો સ્વાર્થ ભાઈ આવતા સુધી જાળવે. જો આપ આવો કાંઈ બંદોબસ્ત નહીં કરો તો સઉ કોર્ટે ચ્હડશે ને આપની મીલકત રફેદફે થશે.”

“એ બે માણસ કીયાં નીમવાં?” હરિદાસે ધીમે રહીને પુછયું.

“જો શેઠજીની મરજી હોય તો મ્હારા ભાણા ભણીથી હું કામ કરવા તૈયાર છું અને સરસ્વતીચંદ્રભાઈ તરફથી”–ધૂર્તલાલ જરીક અટકી બોલ્યો – “હરિદાસ જેવા જ કોઈને સોંપો.”

“ના જી, હરિદાસનું એ ગજું નહી – એ બે માણસનું કામ એકલા ધૂર્તલાલ શેઠ કરે તો ક્યાં બને એમ નથી ?” હરિદાસે આંખ મીચકારી ઓઠ કરડી કહ્યું.

શેઠ વિચારમાં પડી, “ જોઈશું” કહી, ઉઠી, બીજા ખંડમાં ચા૯યા ગયા. ધૂર્તલાલ ને હરિદાસ બે એકલા પડ્યા. હરિદાસનાં વચનથી શેઠ ડગમગે છે એમ માની ધૂર્તે એને હાથમાં લેવાની યોજના કરી.

“હરિદાસ, તમે સમજતા નથી.”

“ના, શેઠ, હું બે ટકાનો વાણીયો, મ્હારી અક્કલ આપના જેવી ન પ્હોંચે.”

“જો, બચ્ચા, શેઠ મ્હારું કહ્યું માને તો મ્હારે ને ત્હારે બેને રાજધાની છે.”

“શેઠ, એ કાંઈ મ્હારું ગજું ?”