પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯

કાંઈ કામ આવે એમ છે? જેવા હોય તેવા આ શેઠ, આ શેઠાણી, ને જે હોય તે આ ધુતારો ! એ એવાં છતાં કામ સુધારવું. જન્મારો જેનું અન્ન ખાઈ આ શરીર વધાર્યું તેને ભરદરીયેથી ઉગારવાની વાત છે ને આ ભવસાગરનો ફેરો સફળ કરવાનું કામ છે.વાણીયાભાઈ, પ્રભુએ તો વાણીયો ઘડ્યો પણ હવે બતાવી આપો કે એ વાણીયો ઘડાયો છે.”

વિચારશૂન્ય થઈ થોડી વાર આંખો મીંચી હરિદાસ બેસી રહ્યો. બુદ્ધિને આરામ મળ્યાથી સતેજ થઈ અને આંગળાવડે હીસાબ ગણતો હોય એવા ચાળા કરતો, હરિદાસ એકલો એકલો બોલવા જતો હતો એટલામાં અચીંતો બંધ પડી મનમાં જ વિચારવા લાગ્યો. “વા વાત લઈ જાય ત્યાં મ્હોં ઉઘાડી બોલવું પણ ભયભરેલું છે. મનમાં બોલવાની પણ આવડ છે. તેમ શેઠની સાથે મસલત કરવામાં પણ વાંધો છે - કાળજું ઠેકાણે નહી ને ધુતારાની પાસે નામ દઈ બેસે. શેઠાણીનું કાળજું ઠેકાણે છે પણ બઈરાંની જીભ ! દુકાનમાં કે ઘરમાં કોઈ ચોખું માણસ રહ્યું નથી. હવે જીવસટ્ટાનું કામ. માટે એકલે હાથે કામ લેવું – બીજો હાથ હરિનો – પ્હેલો હરિનો – બીજો હરિના દાસનો – ને ત્રીજો પાછો હરિનો. પછી જગત જખ મારે છે.”

“જો હરિદાસ ! આ હરિ એક માણસનું નામ સુઝાડે છે – ચંદ્રકાંતનું! વાહ ! શકુન સારા થયા ! પણ એ તો ભાઈને ખોળવા ગયા છે. એમને કાગળ લખીશ – ત્યાં સુધી નભશે ? ભાઈના દોસ્ત, બુલ્વરસાહેબપર ચંદ્રકાંતભાઈની ચીઠી મંગાવીશ. ત્યાં સુધી ? ધુતારાનો ધુતારો થઈશ. એણે લાંચ આપવા કબુલ કરી છે - તે લુટાય એટલું લુંટીશ ને- ભાઈના જોડા ને ભાઈનો વાંસો. મ્હારા ગરીબના ઘરમાં પૈસા નથી, પણ એ પૈસા વડે પોલીસ ને વકીલો હાથ કરીશ. પણ વાણીયાને નામે વ્હાણ કેમ ચાલશે ? વાણીયાને નામે વ્હાણ નહી ચાલે પણ રામને નામે પત્થર તરશે – ગયેલા પણ ભાઈ– તેમનું નામ - ક્યાં ઓછું છે ?” ચતુર સ્વારના ભાર નીચે ઉંચી જાતના ઘોડાને પણ અભિમાન આવતું હોય તેમ ખીલે છે, મહાકાર્ય – મહાસેવા – ના વિચારથી વાણીયાને અભિમાન આવ્યું ને તેની બુદ્ધિ ખીલી. એને ઉત્સાહ ફાલ્યો. સાંઝે ધૂર્તલાલને મળવાનું તેથી શેઠને મળવા બીજા ખંડમાં ચાલ્યો.

શેઠ એક બારી આગળ ઉભા ઉભા સમુદ્ર ઉપર દૃષ્ટિ નાંખતા હતા અને દૃષ્ટિમર્યાદામાં પુત્રને શોધતા હતા. હરિદાસ પાસે આવેલો દીઠો નહી.

“શેઠજી !” હરિદાસ પાછળ ઉભેલો બોલ્યો. શેઠ ચમક્યા, પાછળ જોયું, હરિદાસ ભણી ફરી ઉભા, ને બોલ્યાઃ “ હરિદાસ, ધૂર્તલાલ કયાં છે ?”