પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦

“શહેરમાં ગયા.”

“બંગલામાં કોણ છે?”

"તમે ને હું.”

“નક્કી?”

“નક્કી.”

“હરિદાસ !”

"જી !"

“હરિદાસ !” શેઠ તાકીને એની આંખસામું જોવા લાગ્યા.

“જી !” હરિદાસને શેઠની આંખમાં ઘેલછા લાગી.

“તું કોનો નોકર છે ?”

“આાપનો !”

“ફરી બોલ.”

“આપનો ! – મ્હારો જીવ જાય પણ આપનો, શેઠજી ગભરાશો નહીં; આપનું કોઈ નહીં હોય ત્યાં હું છું.”

“મ્હારા ભાઈનું કોણ ?”

“આપ.”

“જુઠું બોલ્યો. જા, ત્યારે મ્હારે ત્હારું કામ નથી.”

હરિદાસ ચમક્યો. ઘેલા લાગતા શેઠના વચનમાં ઉંડો મર્મ લાગ્યો. સમયસૂચકતા તીવ્ર કરી.

“શેઠજી, આપ ભાઈના હતા નહી, પણ હવે થયા છો.”

“એવું ક્યાં સુધી ટકશે?”

“આપનું કાળજું ઠેકાણે હોય ત્યાં સુધી.”

“ધૂર્તલાલે ક્‌હેલું કરું તો કાળજું ઠેકાણે ખરું ?”

“એ તો આપ સમજો. પણ એ ક્યાં ભાઈના સારામાં રાજી નથી?”

“એક વાર ભુલે ત્યાં સુધી માણસ. બીજી વાર ભુલે એટલે ઢોર.”

“એમાં તો કાંઈ વાંધો નહી.”

“હું તો રાંક તે ઢોર જ.”

“ના, હવે સાંભળ, આ બોલાબોલી જવા દે. ધૂર્તલાલે મ્હારું ઘર ફોડ્યું, તને પણ ફોડ્યો હોય તો કહી દે ને અંહીથી જા. એનું ચાલે તે એ કરશે ને ત્હારું ચાલ્યું તું કરજે. બચ્ચાજી, લક્ષ્મીનંદનમાં હજી કાંઈક પણ બુદ્ધિ બાકી રહી હશે. ભાગ્યું ભાગ્યું પણ ભરુચ.”