પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

આ વચન સાંભળી, શેઠની જુની તીવ્રતા તાજી થતી દેખી, હરિદાસને પોતાનું કાર્ય સિદ્ધ થયું લાગ્યું અને આનંદ થયો, ઘણે દિવસે શેઠની બુદ્ધિ સજજ થતી દેખી સેવકની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એ મનના વિકારોનો મુખઉપર વિકાસ જોઈ શેઠને એનાઉપર વિશ્વાસ બેઠો ને બો૯યા.

“બસ, બસ, હરિદાસ, વધારે ઓછું બોલવું જવા દે. મ્હારી આખી દુકાનમાં મ્હારો એક તું રહ્યો છે. બાકી સઉ દગાખોર છે. હું તને ઓળખું છું. તું મ્હારો મટે એમ નથી. તું ફુટેલ નથી. મ્હારે પગ હાથ મુક ને ખા સોગન કે તું મ્હારા વિશ્વાસયોગ્ય છે.”

શેઠના મ્હોંમાંથી અક્ષર ખરતાંમાં હરિદાસ શેઠના પગ આગળ બેસી ગયો ને પગે હાથ મુકી રોઈ પડ્યો ને પગ ઝાલી રાખી બોલ્યોઃ “શેઠજી, તમને દગો દે તેને ગૌહત્યાનું પા૫ – બ્રહ્મહત્યાનું પાપ – સ્ત્રીહત્યાનું પાપ – મને શ્રીવિઠ્ઠલેશ પુછે. તમારા મનમાં જે હોય તે કહી દ્યો.”

શેઠ ગળગળા થયા. હરિદાસને ઉભો કરી પાસે બેસાડી બોલ્યાઃ- “ હરિદાસ, મ્હારા મનની વાત સાંભળતા પ્હેલાં ત્હારા મનની વાત ક્‌હે.”

“શેઠ, હું આપને વાત કહું – પણ આપનું ચિત્ત ઠેકાણે ન રહે ને કોઈ ચોઘડીયામાં હતા તેવા ભ્રમિત થાવ તો વાણીયાનું હાડકું નહીં જડે ને તમારું કામ કરવા એક જણ પણ હું બાકી છું તે યે પુરો થઈશ. મ્હારી વાત મ્હારી પાસે રહેવા દ્યો, મ્હારા૫ર વિશ્વાસ રાખો ને વાત કરો ને મ્હારી કસોટી કરી જોજો. માટે લપઠી કળવાળા તાળા જેવું તમારું કાળજું ઉઘાડો, ને મ્હારું તાળું છે એમનું એમ રહેવા દો. આપને ખાવાનું જોઈશે તેટલું અનાજ મ્હારા કોઠારમાંથી હું જાતે જઈ લઈ આવીશ. પણ એ કોઠારની કુંચી આપની પાસે હશે તો બધોયે લુટાશે.”

શેઠ ગંભીર થઈ ગયા, વિચારમાં પડ્યા, અને આખરે બોલ્યાઃ “હરિદાસ, તું હતો તેટલો જ હજી ખરાવાદી રહ્યો છે તેથી મ્હારી ખાતરી થઈ છે કે તું ફર્યો ફુટ્યો નથી. ત્હારી શીખામણ ખરી છે તે હું આજ ન્હાના બાળક પેઠે માનીશ. બોલ ત્યારે, પુછું તે ક્‌હે.”

“એ વાતમાં તૈયાર છું.”

“ભાઈના વિચારમાં ઘેલા થઈ એવું કરવું કે ભાઈને ખાવાનું પણ ર્‌હે નહી – એ મને ગમ્યું નહી; અને હું વધારે ઘેલો થઈશ તો એ અણગમતી વાત થશે એવા વિચારથી હું આજ ચમક્યો છું - તે ક્‌હે બરોબર થયું કે નહી ?”